જામનગર શહેર જિલ્લા સહિતના 100 થી વધુ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ કંપનીના નામે આકર્ષક જાહેરાત આપી નાણા પડાવી લઈ સોલાર પેનલ ફીટ નહીં કરી આપનાર એક ટોળકીના પાંચ સભ્યોને જામનગર સાઇબર સેલની ટુકડીએ ઝડપી લીધા બાદ રિમાન્ડ પર લીધા હતા, જે રિમાન્ડ દરમિયાન તેઓએ સૌરાષ્ટ્રભરમાં 100 નાગરિકો પાસેથી અંદાજે દોઢ કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા હોવાનું જાણવા મળ્યું છે, જયારે પાંચેયના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરાયા છે, ઉપરાંત તેના મુખ્ય સૂત્રધારની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમેં સોલાર પેનલના નામે લોકોના નાણા પડાવી લેવા અંગેના પ્રકરણમાં તપાસમાં ઝુકાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું, કે એક સોલાર કંપનીની જાહેરાત આપનાર પાર્ટી કે જેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી આપવાનું પ્રલોભન આપી તેના માટે બેન્કમાંથી લોન કરાવી દીધા બાદ નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખતા હતા, અને સોલાર પેનલ ફીટ નહીં કરી આપી, છેતરપિંડી કરી હતી. જે પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસની ટીમે એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા છે. જે ટોળકીએ ઇન્ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પેનલની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી કંપનીના નામે લોકો સાથે સાયબર ઠગાઈ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને વધુ તપાસ દરમ્યાન ખુલ્યું છે કે આરોપીઓએ આ રીતે 100 કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ સોલાર પેનલ સ્થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણા પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા. ઉપરાંત, આ નાણા ઠગાઈના હોવાની જાણ હોવા છતાં આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.
આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા – 2023 ની કલમ 316(5), 318(4), 61(2) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000 ની કલમ 66(સી), 66(ડી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુન્હામાં (1) હિરેનભાઈ નાથાલાલ લાઠીયા ઉ.વ.37 (રહે. તીરૂપતી પાર્ક 7/બી ઢિંચડા રોડ મુળ રહે.કૃષ્ણકુંજ શેરી નં.4 હિમાલય સોસયટી જામનગર), (2) ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા ઉ.વ.36 (રહે.નિલકમલ સોસાયટી શેરી નં.5 ખોડીયાર કોલોની જામનગર), (3) રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ ઉ.વ.52 (રહે.1/2 મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્કૂલની સામે જામનગર) (4) અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર ઉ.વ.28 (રહે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર) અને (5) રામજી કમોદસિંઘ લોધી ઉ.વ.25 નોકરી (રહે-જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્ટ ત્રીજો માળ જામનગર)ની અટકાયત કરી લીધી હતી, જેઓને અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન તેઓએ જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ-દ્વારકા સહિતના સ્થળોએ અંદાજે 100 થી વધુ નાગરિકોને સોલાર પેનલ ફીટ કરવાના બહાને શિશામાં ઉતાર્યા હતા, અને બેંક લોન કરાવી આપવાના બહાને તેઓની અંદાજે દોઢ કરોડની રકમ તમામ આરોપીઓએ પડાવી લીધી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર જામનગરના વતની અને સોલાર પેનલની પેઢીના માલિક કાનાભાઇ બૈડીયાવદરાની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અને પાંચેય આરોપીઓના રિમાન્ડ પુરા થતાં તેઓને જેલ હવાલે કરી દેવાયા છે.

