કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે યોજાનાર ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સ તથા ૨૦૩૬ના ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા આશરે ૨૫,૦૦૦ પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કરવાની દૃઢ નેમ લેવામાં આવી છે. આ હેતુ સિદ્ધ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સ્પોર્ટ્સ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ, આધુનિક કોચિંગ વ્યવસ્થા તથા ખેલાડીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જૂનાગઢ ખાતે સરદાર પટેલ સંકુલમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ના સમાપન સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી તેઓએ આ વાત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને દેશભરના વિવિધ સ્થળોએ આયોજિત સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાનશ્રીએ યુવા નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે રમતગમતના મેદાનમાં ભારતનો પરચમ લહેરાવવાની પ્રેરણા આપી હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રમતગમતના ક્ષેત્રમાં જ્યારે કોઈ ખેલાડી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા બને છે અને ભારતનો તિરંગો લહેરાવે છે, ત્યારે એ ગૌરવ માત્ર ખેલાડી પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ સમગ્ર ૧૪૦ કરોડ ભારતીયો માટે ગૌરવનો ક્ષણ બની જાય છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી જનપ્રતિનિધિઓને ખેલાડીઓ અને યુવાનો સાથે સીધા જોડાવાનો અવસર મળ્યો છે. પોરબંદર લોકસભા વિસ્તાર હેઠળના સાત વિધાનસભા ક્ષેત્રોમાંથી ૧૨થી ૮૨ વર્ષના ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ સંસ્કૃતિને નવી દિશા આપી છે. આ મહોત્સવમાં કુલ ૩૮,૦૦૦ જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
રમતગમત માત્ર શારીરિક ક્ષમતા વિકસાવતું નથી, પરંતુ સંસ્કારોનું સિંચન પણ કરે છે. રમત ખેલાડીઓને સ્પોર્ટ્સમેન સ્પિરિટ, શિસ્ત, ટીમવર્ક અને હારને સ્વીકારવાની ભાવના શીખવે છે. મેદાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી મેરીટના આધારે વિજેતા બને છે, જે જીવનમાં પણ સફળતાની દિશા બતાવે છે.
કેન્દ્રીય મંત્રીએ ખાસ કરીને જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં ખડતલ, મહેનતુ અને મજબૂત બાંધાના લોકોમાં રમતગમતના ક્ષેત્રે આગળ વધવાની અપર ક્ષમતા રહેલી છે. સાંસદ ખેલ મહોત્સવ દ્વારા આવા પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે. મહોત્સવ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા ખેલાડીઓના કૌશલ્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને પસંદગી પામનારા ખેલાડીઓને કેન્દ્ર સરકાર દ્વારા પૂરતી સહાય અને સુવિધાઓ આપવામાં આવશે.
વર્ચ્યુઅલ કાર્યક્રમનું સંચાલન કરતા મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખેલ વિકલ્પ નહીં પરંતુ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. સમગ્ર દેશમાં ૨૯૦ સાંસદોએ ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં એક કરોડથી વધુ લોકો જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં ખેલ એક જનઆંદોલન, એટલે કે “પીપલ્સ મૂવમેન્ટ” બની ગયો છે.
આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રમતગમતને રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ લેવાની જરૂર છે. શરીરને જેટલી ઊંઘ અને આરામની જરૂર છે, તેટલી જ મહેનત અને પરસેવો પણ જરૂરી છે. મેદાનમાં રમવાથી સ્વાસ્થ્ય સશક્ત બને છે અને સાંસદ ખેલ મહોત્સવ જેવી પહેલોથી રમતગમત માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થયું છે.
સમાપન સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રીના હસ્તે વિજેતા ખેલાડીઓ અને ટીમોને પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા ખેલાડી કુ. પ્રિયંકાબેન ગોસ્વામીની વિશેષ પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે આભારવિધિ સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ કરી હતી. સાથે જ મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્યો સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી, મહેન્દ્રભાઈ પાડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, અધિકારી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, અગ્રણી પુનિતભાઈ શર્મા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

