જૂનાગઢમાં પોલીસને શર્મસાર કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢમાં પોલીસ કર્મચારીની પત્નીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ સાથે સ્થાનિકોમાં આ પોલીસ કર્મચારી પતિ સામે આક્રોશ જોવા મળ્યો છે. આ પોલીસ કર્મચારીની પત્નીએ તેના પતિના કારણે આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢમાં રહેતી ભાવિષા ભરતભાઈ બાબરીય નામની મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેનો પતિ પોલીસકર્મી છે, અને મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. મૃતક મહિલાના પિતાના જણાવ્યા અનુસાર, આ પોલીસ કર્મચારીનું નામ આશિષ દયાતર છે. આશિષ તેની પત્ની ભાવિષાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો.

ભાવિષાના પિતાના જણાવ્યા અનુસાર, આશિષને અન્ય મહિલા સાથે આડા સંબંધો હતા. જે કારણે તેની અને ભાવિષા વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા. તે દરમિયાન આશિષ તેની સાથે મારજુડ કરતો હતો. આ સાથે તેના પર માનસિક અને શારીરિક ત્રાસ પણ ગુજારતો હતો. જે કારણે ભાવિષાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક મહિલાના પિતાએ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ માળિયાહાટીના પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસે પોલીસકર્મી પતિ વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધી છે.
