GUJARAT : જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા

0
41
meetarticle

 જૂનાગઢ એલસીબી તથા એસઓજીના સ્ટાફે ઈવનગર રોડ પર વોચ ગોઠવી એક કારને રોકી તપાસ કરતાં તેમાંથી 1.10 કરોડની કિંમતનો 3 કિલોથી વધુ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. કારમાં સવાર ચાર શખ્સોને પકડી પૂછપરછ કરતા તેઓ આ ગાંજો વેંચવા નીકળ્યા હોવાની અને વડોદરાની પાર્ટીના કહેવાથી રાજકોટની મહિલા બેંગકોકથી ગાંજો લાવી જૂનાગઢ આપી ગયાની કબૂલાત આપી હતી. પોલીસે એક મહિલા સહિત કુલ સાત વ્યક્તિ સામે ગુનો દાખલ કરી ૧.૧૬ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ એલસીબી તથા એસઓજીનો સ્ટાફ ગત રાત્રિના ભવનાથના ગુમ થયેલા સાધુની શોધખોળ કરી રહ્યો હતો ત્યારે જૂનાગઢના મુજાહીદખાન રિયાઝખાન યુસુફજઈ, જહાગીરશા રઝાકશા શાહમદાર, હુસેન નાસીર પઠાણ અને વિસાવદરનો ધવલ કાળુ ભરાડ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈ મેંદરડાથી ઈવનગર રોડ પર થઈ જૂનાગઢ તરફ આવવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઈવનગર રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન કાર પસાર થતા તેને રોકી તેમાં તપાસ કરતા કારની પાછળની સીટના વચ્ચેના ભાગે એક થેલો મળી આવ્યો હતો. તેમાં એરટાઈટ પેકિંગવાળા ત્રણ પેકેટ મળ્યા હતા. આ અંગે પૂછપરછ કરતા મુજાહીદખાન રિયાઝખાન યુસુફજઈએ આ પદાર્થ હાઈબ્રીડ ગાંજો હોવાનું જણાવ્યું હતું અને એમ પણ કહ્યું કે આ ગાંજો બરોડાની કોઈ પાર્ટીએ રાજકોટની શેરબાનુ મહમદરફીક નાગાણીને બેંગકોકમાં હાઈબ્રીડ ગાંજો લેવા મોકલી હતી તે ત્યાંથી હાઈબ્રીડ ગાંજાના ચાર પેકેટ લઈ તા. 27-10-2025ના અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. પોતે, ધવલ કાળુ ભરાડ, મોઈન સતાર ખંધા કાર લઈ શેરબાનુને અમદાવાદથી જૂનાગઢ લઈ આવ્યા હતા. ઝાંઝરડા ચોકડી પાસે આવેલી ભવ્ય પેલેસ હોટલમાં શેરબાનુ રોકાઈ હતી અને જહાગીરશા રઝાકશા શાહમદાર, હુસેન ઉર્ફે દરબાર નાસીર તુર્ક બેંકોકથી જૂનાગઢ આવ્યા હતા અને શેરબાનુએ ટ્રોલીબેગમાં નીચેના ભાગે છુપાવેલા હાઈબ્રીડ ગાંજાના ચાર પેકેટમાંથી ત્રણ વેંચવા આપ્યા હતા અને એક તેની પાસે રાખ્યું હતું. તા. 30-10 ના મુજાહીદખાન, જહાગીરશા અને હુસેન ત્રણેય શેરબાનુને રાજકોટ ગોંડલ ચોકડીએ મુકી આવ્યા હોવાની કબુલાત આપી હતી.

પોલીસે 1.10 કરોડની કિંમતનો 3 કિલોથી વધુ હાઈબ્રીડ ગાંજો, કાર, આઠ મોબાઈલ મળી કુલ 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે એસઓજીના એએસઆઈએ વિસાવદરના ધવલ કાળુ ભરાડ, જૂનાગઢના હુસેન નાસી તુર્ક, મોઈન સતાર ખંધા, મુજાહીદખાન રિયાઝખાન યુસુફજઈ, જહાગીરશા રઝાકશા શાહમદાર, બરોડાનો એક શખ્સ, રાજકોટની શેરબાનુ મહમદરફીક નાગાણી સામે ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગે એસઓજી પીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં દિવસે-દિવસે માદક પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે જે ચિંતાજનક બન્યું છે. પોલીસ આ દૂષણને ડામવા કડક પગલા ભરે એ જરૂરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here