ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અનકલેમડ ડિપોઝિટને તેના અસલ કાયદાકીય વારસદારને સોંપવા અભિયાન શરૂ કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં 21બેંકના 1.82 લાખ ખાતામાં 47.71 કરોડ રૂપિયા છે જેના કોઈ દાવેદાર નથી. જેથી લીડ બેંક નિષ્ક્રિય બેંક ખાતામાંથી નાણા મેળવવા વિશિષ્ટ યોજના કાર્યરત કરવામાં આવી છે.

દેશભરની બેંકમાં કરોડો રૂપિયાની બિનવારસી જમા રકમ (અનકલેમડ ડિપોઝિટ) પડી છે. જેનો ઘણા વર્ષોથી બેંક પાસે કોઈ દાવો કરવા માટે આવ્યું નથી. જેથી બેંક ખાતાઓ નિષ્ક્રિય થઈ ચૂક્યા છે અને ખાતામાં રહેલી રકમ આરબીઆઈના માર્ગદર્શન હેઠળ જમા રાખવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્ક આ પ્રકારની અનકલેમડ ડિપોઝિટને તેના અસલ કાયદાકીય વારસદારને સોંપવા યોજના બનાવી છે. કેટલાક લોકો વારસદારનું નામ લખવાનું ચૂકી જાય છે અથવા તો પોતાના કુટુંબની જાણ બહાર બેંકમાં ખાતા ખોલાવીને તેમાં જમા રકમ કરાવે છે. પરિવારજનોને તેના આથક વ્યવહારની ખબર હોતી નથી. આવા કિસ્સાઓમાં ખાતાધારકનું મૃત્યુ થયા બાદ ટ્રાન્ઝેક્શનના રદ અભાવે બેંક ખાતુ નિષ્ક્રિય થઈ જાય છે. જૂનાગઢ જિલ્લાની 21 બેંકમાં 1,82,200 ખાતા નિષ્ક્રિય પડયા છે. જેમાં ઘણા વર્ષોથી કોઈ નાણાંકીય વ્યવહાર થયો જ નથી. બંધ થયેલા બેંક ખાતામાં અંદાજિત રૂા. 47.41 કરોડની રકમ છે. જેનો કોઈ દાવેદાર આવ્યો નથી. આરબીઆઈ દ્વારા બેંક ખાતાધારકોના કાયદાકીય વારસદારોને શોધ કરીને તેની રકમ સોંપવા વિશિષ્ટ અભિયાન શરૂ કરાયું છે.જૂનાગઢ લીડ બેંકના અધિકારીના જણાવ્યા મુજબ નાણામંત્રાલય હેઠળ ‘તમારી મૂડી તમારા અધિકાર’ અભિયાન કાર્યરત કરાયું છે. આ અભિયાન અંતર્ગત બેંક, વીમા સંસ્થા અને અન્ય નાણાંકીય સંસ્થાઓમાં જમા થયેલી રકમ તેના કાયદાકીય વારસદારને મળી રહે તે માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં બીલખા રોડ આરસેટી ખાતે કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં ૪૫૬ ખાતેદારને રૂા.82.73 લાખની રકમ વિવિધ બેન્કો દ્વારા પરત કરવામાં આવી હતી. જેથી નિષ્ક્રિય બેંક ખાતાધારકના વારસદારો દ્વારા શાખાને યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવે તો નિષ્ક્રિય બેંક ખાતામાંથી કાયદાકીય રીતે રકમ પરત મળી શકે છે.

