આજ રોજ જેતપુર શહેરમાંથી એક અત્યંત દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના તીનબતી ચોક ખાતે એક બેફામ ગતિએ દોડતા ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લેતા, વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરના વ્યસ્ત ગણાતા તીનબતી ચોક વિસ્તારમાં આજે બપોરના સુમારે આ ગોઝારી ઘટના બની હતી. એક ડમ્પર ચાલક પોતાના વાહનને બેફામ ગતિએ હંકારી રહ્યો હતો, તે દરમિયાન તેણે ત્યાંથી પસાર થઈ રહેલા એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા પર સવાર 60 વર્ષીય મહેન્દ્રભાઈ સરવૈયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહેન્દ્રભાઈ સરવૈયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

