જેસરમાં આવેલા ઔદ્યોગિક એકમોવાળા વિસ્તારોમાં આગોતરી જાણકારી વિન કલાકો સુધી વીજકાપ તથા વીજ પ્રવાહના ઝટકાઓથી ઔદ્યોગિક એકમોની મશીનરીઓને નુકસાન પહોંચી રહ્યું છે.

જેસરના પાલિતાણા રોડ પર હીરાના કારખાના, દુધની ડેરી, પેટ્રોલપંપ તેમજ અન્ય નાના મોટા ઔદ્યોગિક એકમો અને કારખાના, મીલો આવેલી છે. આ વિસ્તારોમાં આગોતરી જાણકારી વિના પીજીવીસીએલ દ્વારા અવાર-નવાર વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને વીજ પ્રવાહના ઝટકાના લીધે ઔદ્યોગિક એકમોને વારંવાર નુકસાની ભોગવવી પડે છે. કલાકો સુધી પાવર બંધ રહેતો હોય જેથી વેપારીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે. ઉપરાંત ફોલ્ટ સેન્ટરમાં ફોન લાગતો નથી અને લાગે તો સંતોષજનક જવાબ આપવામાં આવતો નથી ત્યારે આ પ્રશ્ન વહેલીતકે હલ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યાં છે.

