વાલિયા તાલુકાના ડુંગરી ગામના રતનગઢ ફળિયામાં પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં લાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હોવા છતાં, ગ્રામજનો છેલ્લા એક વર્ષથી ટીપું પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ટાંકીમાંથી પાણી ઓવરફ્લો થઈને બાજુના તળાવમાં વહી રહ્યું છે, પરંતુ જેમના માટે આ યોજના બની છે તે લોકોના ઘર સુધી પાઇપલાઇનનું જોડાણ હજુ પહોંચ્યું નથી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ફળિયામાં નળ તો નાખી દેવામાં આવ્યા છે, પરંતુ તેને મુખ્ય લાઈન સાથે જોડવામાં ન આવતા નળ માત્ર શોભાના ગાઠિયા સમાન બની રહ્યા છે. એક તરફ પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે અને બીજી તરફ મહિલાઓને પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ગામના જાગૃત નાગરિકોએ તળાવની સફાઈ કરવા સાથે રતનગઢ ફળિયામાં યુદ્ધના ધોરણે પાણીનું કનેક્શન આપી પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો ગ્રામજનોએ આક્રમક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.