ઠાસરા તાલુકાના ઉધમતપુરાના સીમ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં દોડધામ મચી હતી. જ્યારે લોકોને જોઈને વિફરેલા દીપડાએ ચાર લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઠાસરા તાલુકાના ઉધમતપુરા અને જલાનગર વિસ્તારના ગ્રામ્ય વિસ્તાર ગુમડીયા ગામ તરફ જવાના વિસ્તારમાં મંગળવારે બપોરે એક તમાકુના ખેતરમાંથી દીપડો કેનાલ ઉપર પર આવી જતા લોકોમાં અફડાતફડી મચી હતી. લોકોને જોઈને વિફરેલા દીપડાએ ચાર લોકો પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ઈજાગ્રસ્ત વિનુભાઈ સુકાભાઈ રાઠોડ, સાંઢેલીયા, પ્રવેશભાઈ ઈશ્વરભાઈ પરમાર, ઉં.વ.૩૩, ચપટીયા, અર્ર્જુનભાઈ બાબુભાઈ તળપદા, ઉં.વ.૩૪, આગળવાળા અને જયેશભાઈ રમેશભાઈ પરમાર, ઉં.વ.૨૬, જલાનગરને સારવાર અર્થે ઠાસરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દીપડાએ હુમલો કર્યાની વાત વિસ્તારના ગામોમાં ફેલાઈ જતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. જ્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા હતા.

