ઠાસરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.- ૧,૨ અને પાંચમાંથી પસાર થતા રસ્તા ઉપર બારેમાસ ગટર ઉભરાવાથી રોગચાળો ફેલાવાના ભય સાથે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે છ મહિના અગાઉ લેખિત રજૂઆત કરવા છતાં પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને સભ્યો સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યા છે.

ઠાસરા તાલુકા મથકના એસટી ડેપોથી પીપલવાડા, સાંઢેલી, ગઢવીના મુવાડા, સલુણ, નાનાદરા અને યાત્રાધામ ફાગવેલ જવાનો મુખ્ય રસ્તો છે. ત્યારે દેવદિવાળીનો મોટા મેળો ફાગવેલ ખાતે ચાલી રહ્યો છે. જ્યાં દક્ષિણ ગુજરાત તરફના યાત્રિકો પણ આ રસ્તો ટૂંકો હોવાથી પસાર થઈ રહ્યા છે. પરંતુ રસ્તા ઉપર ગટરના પાણી રેળાયેલા હોવાથી સ્થાનિક સહિત યાત્રાળુઓને દુર્ગંધ અને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે. ઠાસરા તાલુકા મથકના એસટી ડેપો, સરકારી કચેરીઓ, શાળાઓમાં આવતા ઠાસરા તાલુકાના ૨૫થી વધુ ગામના લોકો સહિત વિદ્યાર્થીઓ ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે ગમે ત્યારે ઉભરાતી ગટરનું સમારકામ કરવામાં તંત્ર તસ્દી લેવા તૈયાર નથી. ત્યારે નગરજનો રોગચાળાનો ભોગ બને તેની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેમ સ્થાનિકો આક્ષેપ સાથે આક્રોશ ઠાલવી રહ્યા છે.

