યાત્રાધામ ડાકોરમાં અગિયારસના દિવસે તૂલસીવિવાહની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. સવારે નિથ્યક્રમ મુજબ ઠાકોરજીની મંગળા, બપોરે રાજભોગ અને સાંજે ૪ કલાકે ઉસ્થાપન આરતી કરાઈ હતી. સાંજે વાજતે ગાજતે તુલસીવિવાહ સંપન્ન થયા હતા.

ડાકોર મંદિરમાં રવિવારે અગિયારસના દિવસે ઠાકોરજીએ વિશેષ શ્રૂંગારમાં ભક્તોને દર્શન આપ્યા હતા. ઠાકોરજીની આજ્ઞાા માળા ભગવાન ગોપાલલાલજીને ધારણ કરાવી સાંજના સમયે શહેરો બાંધી શણગારાયેલા ઘોડા પર મંદિરમાં ઢોલ નગારા, શરણાઈ, બેન્ડબાજા અને આતશબાજી સાથે વરઘોડો નીકળ્યો હતો. ત્યારે મંદિરમાં વૈષ્ણવોએ ૧૨ કુંજ બનાવ્યા હતા. જેમાં તુલસીજીની પ્રતિમા સાથે કન્યાપક્ષે મોટી સંખ્યામાં વૈષ્ણવો ગોપાલલાલજીના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા. ત્યારે દરેક કુંજમાં ઠાકોરજીના વિવાહ કરીને વરઘોડો વાજતે ગાજતે લક્ષ્મીજી મંદિરે પહોંચ્યો હતો. વરઘોડા લક્ષ્મીજી મંદિરેથી ગોપાલલાલજીને પરત રણછોડજી મંદિરે લવાયા હતા. ત્યારે ફરી દરેક કુંજમાં બેસાડાયા હતા. બાદમાં તુલસીજી સાથે ગોપાલલાલજીને નિજમંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગોપાલલાલજીની નજર ઉતારવામાં આવી હતી. ત્યારે અગિયારસના દિવસે તુલસીવિવાહ માણવા ગામે ગામથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. ડાકોરમાં પરંપરા મુજબ ભૂલકાઓ મેરમેરાયું લઈને આવ્યા હતા. તૂલસી વિવાહના પગલે નગરમાં આતશબાજી પણ કરાઈ હતી.

