વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કાયાવરોહણના ખેડૂતે ડિજિટલ એરેસ્ટની ધમકીથી આત્મહત્યા કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી સુરતથી બે પિતરાઇ ભાઇઓની ગઇકાલે ધરપકડ કરી હતી. બંનેના તાર કંબોડિયાની ગેંગ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે અને તેમણે મોટી સંખ્યામાં મોબાઇલના સીમકાર્ડ ખરીદી ડિલિવરી કર્યા હોવાની વિગતો બહાર આવી છે.

કાયાવરોહણ ગામના ખેડૂત અતુલ હીરાભાઇ પટેલની આત્મહત્યા બાદ પોલીસે ખેડૂતનો મોબાઇલફોન કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો. જેમાં કેટલાંક શંકાસ્પદ નંબરો તેમજ મેસેજો મળ્યા હતાં. આ અંગે ડભોઇ પોલીસે ગઇકાલે અજાણ્યા શખ્સો સામે ડિજિટલ એરેસ્ટના કારણે ખેડૂતે આત્મહત્યા કરી હોવાનો ગુનો દાખલ કર્યા બાદ નિકુંજ પરેશ પાનસુરીયા (રહે.પ્રિયંક એવન્યુ, લજામણી, મોટાવરાછા, સુરત, મૂળ નેસડી ગામ, તા.સાવરકુંડલા, જિલ્લો અમરેલી) અને તેના પિતરાઇ ભાઇ હેનિલ ભાવેશ પાનસુરીયા (રહે.વર્ધમાન સોસાયટી, શ્યામધામ ચોક, નાનાવરાછા, સુરત મૂળ નેસડી ગામ, તા.સાવરકુંડલા, જિલ્લો અમરેલી)ની ધરપકડ કરી હતી.
પોલીસે નિકુંજની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેનો મિત્ર ચિંતન નાગરભાઇ માંડલિયા ઓનલાઇન ગેમિંગનો ધંધો કરતો હોવાથી બ્લેકમાં સીમકાર્ડ મંગાવ્યા હતાં. અને મિત્ર પ્રકાશ રમેશભાઇ ગજેરા (રહે.પુણાગામ, સુરત) પાસેથી બ્લેકમાં સીમકાર્ડ લઇ નવા કીપેડવાળા મોબાઇલફોન ખરીદી કાર્ડ ચાલુ છે કે નહી તેની ખાતરી કરી ચિંતનને આપતો હતો. જ્યારે હેનિલની પૂછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે મારો પિતરાઇ ભાઇ નિકુંજ કાર્ડ ચાલુ છે કે નહી તે તપાસવા માટે મોબાઇલ ખરીદવા મને કહેતો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે કુલ ૫૩૮ સીમકાર્ડ ખરીદ્યા બાદ ૪૩૮ સીમકાર્ડ ડિલિવરી કર્યા હતાં. જે પૈકીના એક મોબાઇલ પરથી કાયવરોહણના મૃતક ખેડૂત સાથે વાત થઇ હતી. આ મોબાઇલ કંબોડિયામાં એક્ટિવ છે અને તે દિશામાં તપાસ ચાલી રહી છે.

