ગુજરાત-મહારાષ્ટ્ર નજીકના અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ્રેસન આજે સૌરાષ્ટ્રભણી આગળ વધીને સાંજે વેરાવળથી 360 કિ.મી.ના અંતરે પહોંચ્યું હતું જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિ ભારે વરસાદની ચેતવણી આજે જારી કરાઈ છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યની નજીકના દરિયામાં 70-80 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અન્વયે તમામ બંદરોએ આજે પણ લોકલ કોશનરી સિગ્નલ-3 લગાવવા અને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ હતી.
એક તરફ આંધ્રપ્રદેશમાં સિવિયર સાયક્લોન બનીને ત્રાટકેલા વિનાશક મોનથા વાવાઝોડુ આજે નબળુ પડીને ડીપ ડીપ્રેસનમાં ફેરવાયું હતું જે સીસ્ટમથી અતિશય ભારે વરસાદનું એલર્ટ જારી રહ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાત ઉપરથી પસાર થતો ટ્રફ નબળો પડયો છે પરંતુ, સાથે મીની વાવાઝોડા જેવું ડીપ્રેસન નજીક આવી રહ્યું છે. આજે રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર ઘટયું હતું અને છૂટાછવાયા ઝાપટાંથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો પરંતુ, હજુ ખાસ કરીને તા. 31 સુધી ભારે વરસાદનો ખતરો જારી છે.
મોસમ વિભાગે આવતીકાલે (1) પોરબંદર,જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા અને દિવ પંથકમાં અતિ ભારે વરસાદની (2) વડોદરા, ભરૂચ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા,સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, તથા સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, બોટાદ, જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની અને અન્ય જિલ્લાઓમાં તોફાની પવન સાથે હળવા ઝાપટાંની ચેતવણી અપાઈ છે.

