વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસે દંપતી વચ્ચેના આંતરિક કંકાસમાં પિતા દ્વારા છુપાવી દેવાયેલી માત્ર ૪ મહિનાની માસૂમ બાળકી પ્રિયાંશીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પોલીસે તેને માતાના ખોળામાં સોંપી હતી.

વિગત મુજબ, પતિ-પત્ની વચ્ચેના મનદુઃખને કારણે પિતા પોતાની ૪ માસની પુત્રીને ક્યાંક લઈ જઈ સંતાડી આવ્યા હતા. ગભરાયેલી માતાએ ડુંગરી પોલીસ સ્ટેશનમાં ધસી જઈ આપવીતી જણાવતા પોલીસે તાત્કાલિક સંવેદનશીલતા દાખવી તપાસ શરૂ કરી હતી. બાળકીને સલામત રીતે શોધી કાઢ્યા બાદ પોલીસે પતિ-પત્ની બંનેનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. પોલીસની સમજાવટ અને મધ્યસ્થીના અંતે દંપતીએ પોતાના મતભેદો બાજુ પર મૂકી ફરી સાથે રહેવાની તૈયારી દર્શાવી હતી.
