વાગરાના ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે. તસ્કરોએ એક મોબાઈલની દુકાનનું તાળું તોડ્યું હતું, પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી ચોરી કરી શક્યા નહોતા. જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરાં ખોલીને ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા. આથી દુકાનને નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુની ચોરી થઈ નથી.બીજી દુકાન, એક ચિકન સેન્ટર, ચોરીનો ભોગ બની છે. તસ્કરોએ પાછળથી પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી હજારોની મત્તા ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, તસ્કરોએ અન્ય એક દુકાનમાં પણ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો, પરંતુ તે દુકાનમાંથી શું ચોરાયું છે તેની વિગતો હજુ જાણી શકાઈ નથી, કારણ કે દુકાન માલિકો દ્વારા તપાસ ચાલી રહી છે.વેપારીઓએ પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવાની માંગ કરી છે.

