તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા કસ્બારા ગામ નજીક વહેલી સવારે પૂરપાટ ઝડપે જતી એક કાર આગળ જતી ટ્રકની પાછળ ઘુસી જતા ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માત થયેલા કારીન પાછળની સીટ પરથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી દશરથભાઈ ભવાનભાઈ પરમાર (રહે.ભાવનગર) અંક્લેશ્વરથી પોતાની ટ્રકમાં લોખંડનો ભંગાર ભરીને ભાવનગર જવા માટે નીકળ્યો હતો. વહેલી સવારના ૪ઃ૪૫ વાગ્યે તે કસ્બારા ગામમાં બલદેવ હોટલથી વટામણ તરફ જતાં ૫૦૦ મીટર દૂર પહોંચ્યો એ સાથે જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ચાલકને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ ઈજાઓ થવા પામી હતી. જેથી બંને બેભાન થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસીને ચાલકને મૃત્યુ પામ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિને તુરંત જ સારવાર માટે તારાપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાનુ જાણવા મળે છે. પોલીસે અકસ્માતગ્રસ્ત કારની અંદર તપાસ કરતા પાછળની સીટ પરથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તારાપુર પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલ ડ્રાઈવરના મૃતદેહને પી એમ અર્થે ખસેડાયો હતો. આ મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

