GUJARAT : દહેજમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: મહાદેવ હોટલ પાર્કિંગમાંથી લાખોના મુદ્દામાલ સાથે બે ઝડપાયા.

0
51
meetarticle

વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં પોલીસે કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દહેજ-ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થઈ રહી છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન કેટલાક ઇસમો કેમિકલના ટેન્કરમાંથી વાલ્વ મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી મુલારામ બાબુલાલ શર્મા અને દાલુરામ રામાંરામ જાનીની અટકાયત કરી છે.

આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ગિરધરસિંગ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત કુલ 79,88,967 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે દહેજ વિસ્તાર મોટા પાયે ઔદ્યોગિક એકમો ધરાવતો હોવાથી અહીં રાસાયણિક પદાર્થોની અવરજવર સતત રહે છે. આવા સંજોગોનો લાભ ઉઠાવી કેમિકલ ચોરીના બનાવો બનતા હોય છે. દહેજ પોલીસની આ સફળ કામગીરીથી આવા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રિપોર્ટર: સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here