આમોદ તાલુકાના દાંડા ગામે એક ૨૬ વર્ષીય યુવાનના શંકાસ્પદ મોતે પંથકમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. ગામના નિશાળ ફળિયામાં રહેતો વિષ્ણુ પ્રવીણ વસાવા ગત ૧૫મી જાન્યુઆરીએ ઘરે આવ્યા બાદ અચાનક બેભાન થઈ જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે આમોદ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ ૧૭મી જાન્યુઆરીની વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. જોકે, યુવાનના પિતા પ્રવીણભાઈ વસાવાને પુત્રના અકાળે અવસાન અંગે શંકા જતાં તેમણે આમોદ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસની ટીમ તાત્કાલિક દાંડા ગામે પહોંચી હતી અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મોતના સાચા કારણને શોધવા માટે મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એકાએક બેભાન થઈ જવું અને ત્યારબાદ થયેલું આ મોત કુદરતી છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ બનાવને પગલે ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
