સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી નામની પ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.
પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન થતું હોવાથી આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના-મોટા વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી, જેથી તેમને પણ નુકસાન પહોંચ્યું છે.

ઘટનાની જાણ થતાં જ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
દાદરા નગર હવેલી ફાયર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અમરત લાલના જણાવ્યા મુજબ, વાપી અને સચીગામ સહિતના અન્ય વિસ્તારોના ફાયર ફાઇટરોને પણ બોલાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ પર કાબૂ મેળવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી હતી, પરંતુ ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ છે અને હાલ કુલિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
દાદરા નગર હવેલીની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ ન થાય. આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે, જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

