દાહોદ જિલ્લાના કતવારા હાઇવે પર મોડી રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિ દરમિયાન કતવારા હાઇવે પરથી ત્રણ યુવાનો એક જ બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે, એક ખાનગી બસે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય યુવાનો બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જી બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનામાં 17 વર્ષીય વિક્રમ પલાસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસે ફરાર બસ ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

