ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સ્પીડ અને બેદરકારી જીવલેણ સાબિત થઈ છે. આમોદ તાલુકાના દોરા ગામ પાસે રોડ કિનારે ઉભેલા એક યુવકને સ્કોડા કારના ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના પનવેલના રહેવાસી આકાશ દત્તાત્રેય મડકે પોતાની ઇનોવા કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આમોદના દોરા રેસ્ટ હાઉસ પાસેના જોખમી વળાંક નજીક તેમણે પોતાની કાર રોડની બાજુમાં ઉભી રાખી હતી. આકાશભાઈ જેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા, તે જ સમયે વડોદરાથી ભરૂચ તરફ પૂરપાટ ઝડપે ધસી આવેલી સ્કોડા કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે આકાશ મડકેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ સ્કોડા કારનો ચાલક પોપટભાઈ ઠાકરશીભાઈ જસાણી પટેલ માનવતા ભૂલી પોતાનું વાહન લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાઈવે પર હાજર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. પોલીસે ફરાર સ્કોડા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

