દિવાળીના તહેવારો દરમિયાન આપાતકાલીન બનાવોમાં સંભવિત વધારાને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લામાં ૪૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો સજ્જ કરવામાં આવી છે. સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળી અને નવા વર્ષના દિવસે ભરૂચ જિલ્લામાં ઇમરજન્સી કેસોમાં ૨૬.૯૨% થી ૨૭.૮૮% જેટલો વધારો થવાનો અંદાજ છે, જેમાં રોડ અકસ્માત અને દાઝી જવાના કેસો મુખ્ય છે.

ભરૂચ જિલ્લાની ૪૦ એમ્બ્યુલન્સ ટીમના આશરે ૧૩૦ જેટલા કર્મચારીઓ આ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
એમ્બ્યુલન્સમાં દવાનો વધારાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે અને વધારાના કર્મચારીઓને હોસ્પિટલોમાં પણ તૈનાત કરાશે, જેથી એમ્બ્યુલન્સ તાત્કાલિક અન્ય ઇમરજન્સી માટે ઉપલબ્ધ બની શકે.
૧૦૮ ઇમરજન્સી સેવાએ નાગરિકોને વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને ભોજન લેતી વખતે સાવધ રહેવા અપીલ કરી છે, જેથી અનિચ્છનીય ઇમરજન્સી ટાળી શકાય. કોઈપણ જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક ૧૦૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
