ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક અક્ષત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP)ની ભોલાવ જિલ્લા પંચાયત જનસભામાં મોટી રાજકીય હલચલ જોવા મળી હતી. સામાજિક રીતે પ્રતિષ્ઠિત આગેવાન દીપક પટેલે પોતાના આશરે ૪૦ જેટલા સમર્થકો સાથે AAPમાં પ્રવેશ કર્યો હતો.

લોકસભા ઈન્ચાર્જ યાકુબ ગુરજીએ નવા સભ્યોને આવકારતા જણાવ્યું હતું કે, વિસાવદરની જીત બાદ ગુજરાતમાં AAPની લહેર ચાલી રહી છે, જે હવે ભરૂચના ભાજપના ગઢ સમાન વિસ્તારમાં પણ દેખાઈ રહી છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “ભાજપ વિકાસના નામે વિનાશ કરનારી પાર્ટી છે, જેના ભ્રષ્ટાચારની સાબિતી રસ્તાઓના ખાડાઓ આપે છે.”
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે દીપક પટેલનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. એડવોકેટ કમલેશ મઢીવાલાએ દાવો કર્યો હતો કે, લોકો ભાજપની નકલી દેશભક્તિ અને ધર્મ-જાતિની રાજનીતિને ઓળખી ગયા છે અને હવે માત્ર AAP જ મજબૂત વિકલ્પ છે. દીપક પટેલે સાચા અર્થમાં કામની રાજનીતિ કરનાર કટ્ટર ઈમાનદાર પાર્ટીમાં જોડાઈને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને આવનારી ચૂંટણીઓમાં ઘરે-ઘરે AAPની વિચારધારા પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
