દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ભરૂચ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પ્રદેશ ભાજપના મેન્ડેટનું પાલન ન થતા પક્ષના જ બે મોટા નેતાઓ, ધારાસભ્ય અરુણસિંહ રણા અને પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ, પોતપોતાની પેનલ સાથે સામસામે મેદાનમાં ઉતર્યા છે.

આ ચૂંટણીમાં કુલ ૧૪ બેઠકો માટે ૧૯ સપ્ટેમ્બરે મતદાન થવાનું છે, જ્યારે એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ઘનશ્યામ પટેલે ભાજપના મેન્ડેટનું સન્માન કરી પોતાના પુત્ર સહિત કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે, જ્યારે અરુણસિંહ રણાની પેનલે મેન્ડેટ વિરુદ્ધ કુલ ૧૨ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા છે.
આ પરિસ્થિતિએ રાજકીય ગરમાવો વધાર્યો છે. ચર્ચાઓ ચાલી રહી છે કે જો આ નેતાઓ વિરુદ્ધ પક્ષ શિસ્તભંગના પગલાં લેશે, તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. બીજી તરફ, મેન્ડેટ ન મેળવનાર ઉમેદવારોએ નવો રાજકીય પક્ષ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાના અહેવાલો છે, જે ભાજપ માટે એક મોટો પડકાર બની શકે છે. આ ચૂંટણી ભાજપમાં આંતરિક સત્તા સંઘર્ષની દિશા નક્કી કરી શકે છે.

