ગુજરાત સી.આઈ.ડી. ક્રાઈમ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરે દેશભરમાં ફેલાયેલા અને અંદાજે ₹719 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરતા એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ચોંકાવનારી બાબત એ છે કે, બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં ખુદ બેંકના બ્રાન્ચ મેનેજરની જ મિલીભગત સામે આવી છે. પોલીસે ભાવનગર સ્થિત ઇન્ડસઇન્ડ બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર, તેમના પતિ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

મ્યુલ એકાઉન્ટથી ક્રિપ્ટો સુધી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU) ના ઇનપુટના આધારે તપાસ કરતા બહાર આવ્યું છે કે, આરોપીઓ ભાવનગરની બ્રાન્ચમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી ભોગ બનનાર લોકોના નાણાં જમા કરાવતા હતા. ત્યારબાદ ફ્રોડના નાણાં ચેકથી ઉપાડી અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરી રોકડમાં ફેરવવામાં આવતા હતા. આ રોકડ રકમ આંગડિયા મારફતે અથવા USDT (ક્રિપ્ટો કરન્સી) માં કન્વર્ટ કરીને દુબઈ અને ચીનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ્સને મોકલી આપવામાં આવતી હતી. તપાસ દરમિયાન 30થી વધુ ક્રિપ્ટો વોલેટ એડ્રેસ મળી આવ્યા છે.
દેશભરમાં હજારો લોકો સાથે છેતરપિંડી
આ એક જ નેટવર્કનો ઉપયોગ કરીને દેશભરમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ નેટવર્ક સાથે જોડાયેલા મુખ્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર (300 કેસ), તમિલનાડુ (203 કેસ), કર્ણાટક (194 કેસ), તેલંગાણા (128 કેસ), ગુજરાત (97 કેસ), કેરળ (91 કેસ), ઉત્તર પ્રદેશ (88 કેસ) અને દિલ્હી(74 કેસ)નો સમાવેશ થાય છે.
બેંક મેનેજરની ભૂમિકા અને 1% કમિશન
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપી ભુમિકા જગદીશભાઇ લશ્કરી (ઇન્ડસઇન્ડ બેંક, ભાવનગરના બ્રાન્ચ મેનેજર) અને તેમના પતિ સાહીલ સાધ આ રેકેટના મુખ્ય સૂત્રધારો સાથે સંપર્કમાં હતા. બેંક મેનેજર જાણતા હતા કે ખાતામાં ફ્રોડના રૂપિયા આવે છે, છતાં તેમણે મ્યુલ એકાઉન્ટ ખોલવામાં અને નાણાં ઉપાડવામાં મદદ કરી હતી. આ કામ માટે તેઓ પ્રતિ ટ્રાન્જેક્શન 1% કમિશન મેળવતા હતા. સાહિલ સાધ આ સમગ્ર પ્રક્રિયામાં મિડિયેટર તરીકે કામ કરતા હતા.
પકડાયેલા 4 આરોપીઓની ભૂમિકા
ભુમિકા લશ્કરી (બેંક મેનેજર) મ્યુલ એકાઉન્ટ ખોલવા અને નાણાં ઉપાડવા માટે બેંકિંગ પ્રોસેસમાં મદદ કરવી હતી. જ્યારે સાહીલ સાધ (મેનેજરના પતિ) બેંક અને ફ્રોડસ્ટર્સ વચ્ચે મધ્યસ્થી કરતો હતો. ફ્રોડના નાણાં આંગડિયા મારફતે મોકલવા અને ક્રિપ્ટો (USDT) માં કન્વર્ટ કરી વિદેશ મોકલવા માટે ભાર્ગવ પંડ્યાને 0.20% કમિશન મળતું હતું. જ્યારે અન્ય આરોપી મહિપાલસિંહ ગોહિલ મ્યુલ એકાઉન્ટ પૂરા પાડતો હતો અને રોકડ કલેક્ટ કરી મુખ્ય આરોપીઓને પહોંચાડતો હતો.
ગાંધીનગર સી.આઈ.ડી. સાયબર ક્રાઈમે અગાઉ આ કેસમાં 10 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે હવે બેંક મેનેજર સહિત વધુ 4ની ધરપકડ કરી ભારતીય ન્યાય સંહિતા અને આઈ.ટી. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ ઝડપાયેલા 10 આરોપી
અલ્પેશ ઘનશ્યામભાઈ મકવાણા: રોકડ ઉપાડ અને એકાઉન્ટ પ્રોવાઇડર.
મહેન્દ્ર રમેશભાઈ મકવાણા: રોકડ ઉપાડ અને એકાઉન્ટ પ્રોવાઇડર.
અબુબકર અલીભાઈ શેખ (બૅંક કર્મચારી): બૅંક ખાતાઓની એક્સેસ આપી.
પાર્થ પ્રફુલભાઈ ઉપાધ્યાય (બૅંક કર્મચારી): ગેરકાયદેસર ખાતાકીય કામગીરી.
પ્રતિક અરવિંદભાઈ વઘાણી: મ્યુલ એકાઉન્ટ અને કેશ હેન્ડલર.
વિપુલ કાળાભાઈ ડાંગર: ફંડ હેન્ડલર.
જયરાજસિંહ બળવંતસિંહ રાયઝાદા: રોકડને USDTમાં કન્વર્ટ કરનાર.
ગુરુપુરબાસિંઘ સતનામસિંઘ ટાંક: દુબઈ-ચીન ફંડ ટ્રાન્સફર કરનાર.
તેજશ જિતેન્દ્રકુમાર પંડ્યા: વિદેશી ઓપરેટરો વતી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન.
દિવ્યરાજ સિંહ નરેન્દ્ર સિંહ ઝાલા: દુબઈ સ્થિત હેન્ડલર અને ચીની ગેંગ સાથેની મુખ્ય કડી.

