ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલી RPL કંપનીના સ્ટાફ ક્વાર્ટર્સમાં અજાણ્યા ચોરોએ ચોરીની મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ચોરોએ એકસાથે કુલ નવ ક્વાર્ટરને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના, રોકડ અને ઇલેક્ટ્રોનિક્સ સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

કંપનીના ઓફિસર ક્વાર્ટર A-10 માં રહેતા પન્નાલાલ રામલાલ સોનીના ઘરે ચોરી થઈ હોવાની જાણ સિક્યુરિટી ઇન્ચાર્જે કરી હતી. રૂમનું લોક અને તિજોરીનું લોક તોડીને ચોરોએ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, પત્નીના બચતના રૂ. ૫૦,૦૦૦ રોકડા અને એક જૂનું લેપટોપ ચોરી લીધું હતું. આ એક જ ક્વાર્ટરમાં અંદાજે રૂ. ૬,૩૫,૫૦૦/- નું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ચોરોએ રાત્રે ૦૧:૩૦ થી ૦૪:૩૦ વાગ્યા દરમિયાન અન્ય ક્વાર્ટર નંબર A-12, B-6, E-31, E-32, E-21, F-37, F-39 અને F-42 સહિત કુલ ૯ ક્વાર્ટરમાં પ્રવેશ કરી ચોરીઓને અંજામ આપ્યો હતો. ક્વાર્ટર B-6માંથી પણ મોબાઈલ અને લેપટોપ ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે પન્નાલાલ રામલાલ સોનીએ અજાણ્યા ચોરો વિરુદ્ધ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
