GUJARAT : ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ

0
8
meetarticle

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર શનિવારે વહેલી સવારે પૂરઝડપે જતી એક બીએમડબ્લ્યુ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડના સાઈન બોર્ડ સાથે અથડાઈને ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામનો રહેવાસી રૂદ્ર ઘનશ્યામભાઈ જાદવ (ઉ.વ. ૨૧) પોતાની બીએમડબ્લ્યુ ગાડી (એમએચ-૧૪-સીસી-૬૫૩૫) લઈને તેના મિત્રો અને પરિચિતો સાથે ભાવનગરથી અમદાવાદ જઈ રહ્યો હતો. ફરિયાદી લાલજીભાઈ મકવાણા, જેઓ નિવૃત આર્મી જવાન છે, તેઓને અમદાવાદ ખાતે પોલીસ ભરતીની પરીક્ષા હોવાથી તેઓ આ કારમાં સવાર થયા હતા.

શનિવારે વહેલી સવારે આશરે ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં કાર ધોળકા તાલુકાના સરંડી ગામની સીમ પાસે પહોંચી ત્યારે ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર એટલી ઝડપે હતી કે રોડ સાઈડના બોર્ડ સાથે ભટકાતા જ તેનું આગળનું ટાયર નીકળી ગયું હતું અને બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માત થતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સના તબીબોએ તપાસતા ચાલક રૂદ્ર જાદવને મૃત જાહેર કર્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ધોળકા રૂરલ પોલીસે આ મામલે મૃતક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનસ)ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૦૬(૧) અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here