અમદાવાદ ગ્રામ્ય SOGએ મોટી માત્રામાં ગજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, એક મહિલા ઓરિસ્સાથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈ ધોળકા પાસે આવેલા શેખડી ગામ પાસે નિરંજન ગોસ્વામીને આપવાની છે. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.4.98 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકામાં ગાંજો ઝડપાયો, મહિલા સહિત બેની ધરપકડ
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય પોલીસને ઓરિસ્સાથી સુમિત્રા નાહક નામની મહિલા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈ ધોળકા આવી હોવાની બાતમી મળી હતી. આરોપી મહિલા ગાંજાનો જથ્થો મૂળ રનોડના રહેવાસી નિરંજનગિરી કૈલાસગિરી ગોસ્વામીને આપવાની હતી. પોલીસે આશરે 5 લાખની કિંમતનો 9.960 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, ત્રણ મોબાઇલ અને 1500 રૂપિયા રોકડ સહિત કુલ રૂ.5.02 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હીથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં આરોપી નિરંજન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મેં ભુવનેશ્વર ઓરિસ્સામાં બીજા લગ્ન કર્યા છે. જેથી અવાર-નવાર ઓરિસ્સા જવાનું થાય ત્યારે ત્યાં ભુવનેશ્વરમાં રહેતા વિક્રમ પાસેથી એક કિલોગ્રામ ગાંજાના 2500 રૂપિયા આપી લાવ્યો હતો. ઝડપાયેલી મહિલા મારા સાળાની પત્ની છે. ગાંજો માલ લાવવા માટે મારા સાળાની પત્ની સુમિત્રા નાહકને સાથે લાવતો અને ગાંજો ભરેલા બેગ ટ્રેનમાં સાચવવા આપી દેતો હતો. વધુમાં આરોપીએ કહ્યું કે, ‘ગાંજો ધોળકામાં લાવીને પોતે પીતો હતો અને અમુક છૂટકમાં વેચાણ કરતો હતો.’ સમગ્ર મામલે ગ્રામ્ય SOGએ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

