નડિયાદ શહેરના પશ્ચિમમાં પીજ રોડથી પીપલગ તરફ જવાના રિંગ રોડ પર ઈન્દિરાનગરી વિસ્તારમાં આઈકોનિક રોડ પ્રોજેક્ટના અમલીકરણ માટે આજે મનપાની દબાણ શાખાએ મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. રોડની બંને તરફ વર્ષોથી જામી ગયેલા કાચા-પાકા દબાણો અને ભંગારના વાડા જેવા દ્રશ્યો ઉભા કરતા પતરાના શેડને દૂર કરવાની કામગીરી સવારથી સાંજ સુધી ચાલી હતી.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલા રિંગ રોડને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરી છે. ખાસ કરીને પીજ રોડથી શરૂ થઈને પીપલગ તરફ જતા રિંગ રોડ પર ઈન્દિરાનગરી પાસેના વિસ્તારમાં રસ્તાની ધારે મોટી સંખ્યામાં લોકોએ ગેરકાયદેસર રીતે પતરાના શેડ તાણી બાંધ્યા હતા. અંદાજે ૨ કિલોમીટરના પટ્ટામાં ભંગારના વાડા જેવી સ્થિતિ ઉભી થઈ હતી, જેના કારણે ટ્રાફિક અને સ્વચ્છતાનો પ્રશ્ન પણ વિકટ બન્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ આજે સવારથી જ મનપાના દબાણ વિભાગના કાફલાએ જેસીબી મશીનરી સાથે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. સાંજ ના ૭ વાગ્યા સુધી ચાલેલી કામગીરીમાં રોડની માજનમાં આવતા તમામ પતરાના શેડ અને ઓટલા સહિતના દબાણોનો હટાવાયા હતા આ દબાણો દૂર થતાં હવે આઈકોનિક રોડની કામગીરીને વેગ મળશે. આઈકોનિક રોડ પ્રોજેક્ટ અંતર્ગત નડિયાદના આ મહત્વના રસ્તાનું નવિનીકરણ કરવામાં આવશે. જેમાં રસ્તાની પહોળાઈ વધારવાની સાથે વચ્ચે સેન્ટ્રલ ડિવાઈડર બનાવી તેમાં ગ્રીનરી ઉભી કરાશે. આ ઉપરાંત રોડની શોભા વધે તે માટે લેન્ડસ્કેપિંગ અને સુશોભનની કામગીરી પણ આ પ્રોજેક્ટનો ભાગ રહેશે. દબાણો હટતા હવે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની કામગીરી ઝડપથી શરૂ કરી શકાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

