નડિયાદ મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર જાહેર માર્ગ પર બે આખલાઓ બાખડયા હતા. ત્યારે રસ્તા પરથી પસાર થતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. આખલાની લડાઈમાં સંખ્યાબંધ વાહનોને નુકસાન થયું હતું. ત્યારે નડિયાદ મનપાની પશુ પકડવાની ટીમની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

નડિયાદ મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી શરૂ થયો છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર આજે બપોરના સુમારે બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચઢ્યા હતા. પરિણામે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તા પરથી પીજ તરફ જતા માર્ગે મુસાફરી કરી રહેલા લોકોએ જીવ બચાવવા માટે દોડધામ કરવી પડી હતી. કેટલાક બાઈક સવારો માંડ માંડ આ આખલાઓની અડફેટે આવતા બચ્યા હતા. જાહેર માર્ગ પર આખલા યુદ્ધ જોવા માટે લોકોના ટોળા ઉમટયા હતા. પરિણામે થોડો સમય ટ્રાફિકજામ સર્જાયો હતો. આખલાઓ લડતા લડતા પટેલ સોસાયટી સામે આવેલા ટયુશન ક્લાસની બહાર ઊભેલી વિદ્યાર્થીઓની બાઈકો અને સાયકલો સાથે અથડાતા વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. રોડ પર ઊભેલી એક કાર પર પણ ચઢી જતા નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ બિલોદરા ફાટક પાસે આવી જ રીતે આખલા યુદ્ધની ઘટના સામે આવી હતી.
અગાઉ પણ પશ્ચિમ વિસ્તારમાં રખડતા ઢોરોની ચપેટમાં આવીને નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાના બનાવો નોંધાયા છે. તંત્રની પશુઓ પકડવાની ઢીલી નીતિ સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

