GUJARAT : નડિયાદના મોટા કુંભનાથ, સલુણના અંબે માતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

0
25
meetarticle

નડિયાદ શહેરના સુપ્રસિદ્ધ મોટા કુંભનાથ મહાદેવ મંદિર અને તાલુકાના સલુણ ગામે આવેલા અંબે માતાના મંદિરથી લોખાના મત્તાની ચોરી થઈ હતી. આ બંને ગંભીર બનાવોમાં ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને નડિયાદ ટાઉન પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બંને મંદિરોમાં ચોરી કરનાર એક જ રીઢા તસ્કરને ઝડપી પાડી તેની પાસેથી ૧૩ કિલો ચાંદી અને સોનાના ગિલેટ વાળા દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગત તારીખ ૧૪ જાન્યુઆરીના રોજ નડિયાદ ટાઉન વિસ્તારમાં આવેલા મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો ગર્ભગૃહના તાળાં તોડી અંદર પ્રવેશ્યા હતા. શખ્સોએ મંદિરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને સેવા પૂજાના સાધનોની ચોરી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ અગાઉ તારીખ ૮ જાન્યુઆરીના રોજ નડિયાદ તાલુકાના સલુણ તળપદ ગામે આવેલા અંબે માતાના મંદિરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. જ્યાં પૂજારી બિપીનભાઈ પટેલ સવારે મંદિરે પહોંચ્યા ત્યારે જાળીના તાળાં તૂટેલા હતા અને માતાજીના આભૂષણો ગાયબ હતા. એક જ સપ્તાહમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના બે ધામક સ્થળોને નિશાન બનાવવામાં આવતા પોલીસ હરકતમાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા એલ.સી.બી. અને સ્થાનિક પોલીસની અલગ અલગ સાત ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના ૧૫૦થી વધુ સીસીટીવી કેમેરા અને નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. સાથે સાથે ‘ઈ-ગુજકોપ’ પોર્ટલના માધ્યમથી આવા ગુના કરવાની ટેવ ધરાવતા શંકાસ્પદ શખ્સોેની યાદી તૈયાર કરી તપાસ આદરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, નડિયાદના ખાડ વિસ્તારમાં રહેતો વિનોદ ઉર્ફે વિનુ તળપદા નામનો શખ્સ આ ચોરીમાં સંડોવાયેલો છે અને તે ચોરીનો સામાન લઈને એક્ટિવા પર સલુણ ગામ તરફથી પોતાના ઘરે આવી રહ્યો છે.આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આરોપી વર્ણન મુજબના એક્ટિવા પર આવતા તેને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેણે મોટા કુંભનાથ મહાદેવ અને સલુણના અંબે માતા મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ જે એક્ટિવા ઉપયોગમાં લીધું હતું તે પણ તેણે ૧૨ જાન્યુઆરીના રોજ નડિયાદ ટાઉન વિસ્તારમાંથી ચોર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

13 કિલો ચાંદી અને સોનાના દાગીના રિકવર

પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરીનો જંગી મુદ્દામાલ કબજે કર્યોે છે. જેમાં મુખ્યત્વે ૭ કિલો અને ૧૪૦ ગ્રામ વજનની ચાંદીની પાંચ નાગમુખ વાળી નાગ દેવતાની મૂત જેની કિંમત ૨.૧૪ લાખ, ૨ કિલો વજનની ચાંદીની ગળતી (ગાગર), ચાંદીના પગરખાં, ચાંદીના નાના-મોટા છત્તર, સોનાનો ગિલેટ ચઢાવેલ મુગટ અને કાનની બુટ્ટીઓ તેમજ ચાંદીના ત્રિશૂળના ટુકડાઓનો સમાવેશ થાય છે. સલુણ મંદિરમાંથી ચોરાયેલ ૧.૯૦ લાખની મત્તા પણ પોલીસે રિકવર કરી છે.

આરોપી અગાઉ 12 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે

બંને મંદિરોમાં ચોરી કરનાર અને પોલીસ પકડમાં આવેલો વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદા (ઉં.વ. ૪૮) રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તેની સામે ભૂતકાળમાં મહેમદાવાદ, કાગડાપીઠ, ખોખરા, ખેડા ટાઉન અને નડિયાદ ટાઉન પોલીસ મથકોમાં પ્રોહિબિશન, જુગાર ધારા, રાયોટીંગ અને ચોરી સહિતના કુલ ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તેની અસામાજિક પ્રવૃત્તિઓને કારણે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા તેને પાસા હેઠળ પણ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here