નડિયાદના સંતરામ રોડ ઉપર આજે વહેલી સવારે વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી બે દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ સાથે ધૂમાડાના ગોટાએ કોમ્પ્લેક્સને બાનમાં લેતા દોડધામ મચી ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી.

નડિયાદના વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના સામાનના કારણે આગ ઝડપથી પ્રસરી અને બેઝમેન્ટથી ઝેરી ધૂમાડો આખા કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયો હતો. પરિણામે દુકાનદારો, આસપાસના લોકોને ગુંગળામણ થવાનો ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતા લોકો ત્વરિત બહાર નીકળી ગયા હોવાથી જાનહાનિ ટળી છે. નડિયાદ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારી ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભોયરામાં આગ લાગી હોવાથી અંદર કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ, તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ વિગત મળી નથી. ફાયર બ્રિગેડના જવાનો આગ બુઝાવવા સાથે કોમ્પ્લેક્સની અંદર તપાસની કામગીરી પણ કરી રહ્યા છે. ધૂમાડાના કારણે અંદર જવું મુશ્કેલી બની રહ્યું હતું. હાલ પાણીનો મારો ચલાવી જ્વાળાઓને નિયંત્રણમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે. ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધા બાદ કયા કારણોસર આગ લાગી અને નુકસાનનો અંદાજ મેળવી શકાશે તેમ ફાયરના અધિકારીઓએ જણાવ્યું છે.

