નડિયાદની પીજ ચોકડી પર કારમાંથી રૂા. ૨.૩૫ લાખના ૨૩.૪૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સને ખેડા- નડિયાદ એલસીબીએ ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી રૂા. ૭.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડ્રગ્સ આપનાર રાજસ્થાનના આરોપીને ફરાર જાહેર કરાયો છે. આ બનાવ અંગે એલસીબી ખેડાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે નાર્કોટિક્સ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

નડિયાદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલે રાત્રે બાતમી મળી હતી કે કારમાં શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો અમદાવાદથી લાવી નડિયાદના પીજ ચોકડી થઈ વડોદરા તરફ જવાનો છે. એલસીબીની ટીમે નડિયાદ પીજ ચોકડી બ્રિજ ઉતરતા દેવ હેરીટેઝ સોસાયટી સામે વોચ ગોઠવાઈ હતી. દરમિયાન કાર અમદાવાદ તરફથી આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા ડ્રાઈવર સીટ પર બેઠેલા અશ્વિનકુમાર ઉર્ફે જલો નટવરલાલ ઠક્કરના ખિસ્સામાંથી નાની ડબ્બીમાં પીલો પાવડર મળ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ પદાર્થ પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. એફએસએલેના પરીક્ષણમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું. પદાર્થનું વજન ૨૩.૪૫ ગ્રામ કિંમત રૂ.૨,૩૪,૫૦૦ આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ કિંમત રૂ.૫,૦૦૦, કાર કિંમત રૂ.૫,૦૦,૦૦૦ અને રોકડ રૂ. ૧,૫૭૦ મળી કુલ રૂ.૭,૪૧,૦૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડ્રગ્સ રાજસ્થાનના ડુંગરપુરનો મહેન્દ્ર બન્ના અમદાવાદમાં આપી ગયો હતો. આ ગુનામાં મહેન્દ્ર બન્નાને સહ-આરોપી તરીકે ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કર્યો છે.

