નડિયાદ, ખેડા, આણંદ જિલ્લા સહિત ચરોતરમાં શિવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાયું હતું. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તો ઉમટી પડયા હતા. નડિયાદમાં ૭૫ ફૂટ ઊંચી મહાદેવના પ્રતિમાના દર્શન માટે ભક્તોનો ધસારો રહ્યો હતો.

નડિયાદના માઇ મંદિરમાં મહાશિવરાત્રિના પર્વને ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. નડિયાદમાં મંદિર પરિસરમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ૭૫ ફૂટ ઊંચી મહાદેવની ભવ્ય પ્રતિમા રહી હતી. આ વિરાટ પ્રતિમાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઊમટી પડયું હતું. પ્રતિમાની સમીપ તૈયાર કરાયેલા બાર જ્યોતિલગના પ્રતિકાત્મક દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. ધામક વિધિના ભાગરૂપે લઘુરુદ્ર યજ્ઞાનું પણ આયોજન કરાયું હતું, જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર અને હોમ-હવનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો.આ ઉપરાંત આણંદ શહેર,વલ્લભવિદ્યાનગર, બોરસદ, તારાપુર, પેટલાદ સહિત જિલ્લામાં પણ શિવાલયોમાં શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. દર્શન માટે વહેલી સવારથી લોકોની લાઇનો લાગી હતી.

