નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બાકીદારો પાસેથી વેરાની રકમ વસૂલવા માટે કડક કાર્યવાહીના ભાગરૂપે મહાનગરપાલિકાની ટુકડી દ્વારા શહેરના વોર્ડ ૪ અને મીલરોડ વિસ્તારમાં આવેલી ૪ મિલકતોને સીલ મારવામાં આવ્યું છે. આ ૪ મિલકતો પાસેથી કુલ બાકી રકમ રૂપિયા ૨,૬૩,૨૫૪ વસૂલવામાં આવી છે.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તારીખ ૦૯ ડિસેમ્બરના રોજ બાકી મિલકત વેરા માટેની ઝુંબેશ અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતા.જેમાં શહેરના વોર્ડ ૪માં આવેલી કાવેરી પ્લાઝા કોમ્પ્લેક્સની મિલકત નંબર ૧૮૭૯/૪, તેમજ વોર્ડ ૪માં જ આવેલી સીમા મોટર ગેરેજની મિલકત નંબર ૨૦૩૧/અને મીલરોડ પર આવેલી શંકરભાઈ ઝવરભાઈની દુકાન અને સંતરામ સપ્લાયર્સની દુકાન (મિલકત નંબર ૧૭૫૪ તથા ૧૭૫૪/૧)ને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલી આ તમામ મિલકતોનો બાકી વેરો રૂપિયા ૨,૬૩,૨૫૪ વસૂલવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાકી મિલકત વેરાની વસૂલાત માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ અને સીલ મારવાની કાર્યવાહી ચાલુ રહેશે.

