તળાજાના ગોપનાથ મહાદેવના પ્રાંગણમાં ગવાઈ રહેલી” માનસ ગોપનાથ”રામ કથા બીજા દિવસમાં પ્રવેશ કરતાની સાથે નરસિંહ કૃષ્ણને યાદ કરે તે જ રીતે પ્રારંભે નરસિંહની સ્મૃતિઓ તાજી કરવામાં આવી.એક જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે બાપુ તમને નરસિંહનું કયું પદ પ્રિય છે તો બાપુએ ઉત્તર આપ્યો કે વૈષ્ણવજન અને વિશ્વાસનું પદ સૌને પ્રિય હોય.પૂ.ગાંધીબાપુને ‘વૈષ્ણવજન’પદ પ્રિય હતું અને બીજું પદ વિશ્વાસ ઉપર આધારિત છે અને તે છે’ અખંડ રોજી હરિના હાથમાં’આમ ધડીભર આ સભા નરસિંહ સ્મૃતિ સભા બની ગઈ.વીતેલી ઘટનાઓ ફરી તાજી થઈ નરસિંહને ભલે 600 વર્ષ થયા પરંતુ આ જ વાત સમઢીયાળા ગંગાસતી ખૂબ અલ્પ સમય પહેલા વર્ણવે છે.
પૂ.મોરારિબાપુએ આજના સંવાદમાં પ્રવેશ કરીને રામ નામ મહામંત્ર છે, બીજ મંત્ર છે તે વાતને ભારપૂર્વક સમજાવી. એમ પણ કહ્યું કે રામનામનું માત્ર સ્મરણ એ જીવનને તારી દે છે. શાલીગ્રામને જે પથ્થર માને, તુલસીને જે પોધો માને, પ્રસાદને જે ખોરાક માને અને ચરણામૃતને જે પાણી માને તે બધા અપરાધ છે. રામ એ બીજ મંત્ર એટલે છે કે તેમાં અનેક શક્યતાઓ અને શક્તિ સંચિત છે. હીરો અને બીજને પાસ પાસે મૂકવામાં આવે તો હીરો ભલે મૂલ્યવાન હોય પણ તેમાંથી અન્ય હીરા ઉત્પન્ન થતા નથી. જ્યારે બીજ તેનાથી અલગ છે.એક ગામડા ગામના ડોશીમાનું ઉદાહરણ આપીને બાપુએ રામ મહામંત્રને જીવનનું એક મહા સત્ય છે તે સાબિત કરી આપ્યું.

બાપુએ જણાવ્યું કે સાંપ્રત સમય સનાતન હિન્દુ ધર્મ માટે થોડો કટોકટી રૂપ છે તેથી સૌએ શિવ, પાર્વતી, કૃષ્ણ, રામ, હનુમાનજી, ગણેશ વગેરેની ખુબ આરાધના કરીને તેના મંદિરોનું નિર્માણ કરવું જોઈએ.આ અપીલ મોરારિબાપુએ કરતા સાથોસાથ એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે જે ગામમાં શિવ મંદિર, કૃષ્ણ મંદિર અને રામ મંદિર ન હોય ત્યાં તેનું નિર્માણ થવું જોઈએ અને જર્જરીત થઈ ગયા હોય તેનો પુનરોદ્ધધાર થવો જોઈએ.મેં હંમેશા કહ્યું છે કે કોઈ રામજી મંદિર બનાવશે તો ચિત્રકૂટ ધામ તલગાજરડા સવા લાખ રૂપિયાની રાશિ અર્પણ કરીને એનો પ્રારંભ કરાવશે.આપણે ત્યાં બધા ગામના લોકો હવે સમૃદ્ધ થયા છે અને આ સમૃદ્ધિને આપણે મંદિરોના નિર્માણ કરીને સનાતન ધર્મના પાયાને મજબૂતી આપવી જોઈએ.કથાના અંત ભાગમાં વક્તાના લક્ષણો બતાવીને બાપુએ વક્તાનું મહત્વ દર્શાવ્યું હતું.આજની કથા શિવ આરાધનાનું પર્વ હોય તે રીતે માનવ મહેમરામણ આસપાસથી ઉમટી પડ્યો હતો.બાપુએ કથા બાદ સૌને પ્રસાદ ગ્રહણ કરવા ભારપૂર્વક અપીલ કરી હતી.

