ભરૂચ જિલ્લાના નેત્રંગની ૧૧ વર્ષીય બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) માં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ડાયાબિટીસ અને શ્વાસની તકલીફના કારણે દાખલ કરાયેલી બાળકીના મૃત્યુ બાદ પરિવારજનોએ તેની સાથે અઘટિત ઘટના બની હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને ન્યાયની માંગ કરી છે.

બાળકીના દાદાએ આક્ષેપ કર્યો છે કે, ૧૨મી તારીખે કન્યા છાત્રાલયમાંથી ગામના એક યુવક સાથે ઘરે પરત આવતી વખતે ગામની સીમમાં તુવેર અને કપાસના ખેતરમાં તે યુવકે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીની તબિયત બગડતાં જ્યારે આ સમગ્ર બાબત બહાર આવી ત્યારે તેને ૧૬મી તારીખે નેત્રંગ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
પરિવારે વધુ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં પોલીસ જમાદારે તેમને કેસમાં કંઈ ન હોવાનું કહીને સામેની પાર્ટી પાસેથી બે-ત્રણ લાખ રૂપિયા લઈ લેવાની ઓફર કરી હતી.
સ્થિતિ વધુ બગડતાં બાળકીને રાજપીપળા અને ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.
પરિવારજનોએ બાળકી સાથે અઘટિત કૃત્ય કરનારને ફાંસીની સજા આપવા અને આ ઘટનામાં પૈસાની ઓફર કરી કેસ દબાવવાનો પ્રયાસ કરનાર પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

