ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના કાતિલ દોરાથી વાહનચાલકોના ગળા કપાવવાની જીવલેણ દુર્ઘટનાઓ રોકવા માટે નેત્રંગ પોલીસે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. ‘સલામતી સપ્તાહ’ના ભાગરૂપે પોલીસ દ્વારા ટુ-વ્હીલર ચાલકો માટે ખાસ સેફ્ટી ગાર્ડ (લોખંડના તાર) લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે,

જેથી તહેવારના આનંદમાં કોઈ વિઘ્ન ન આવે.
નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. વસાવા અને પી.એસ.આઈ. યુ.પી. પારેખની સીધી દેખરેખ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૫૦ જેટલા બાઇક સવારોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ વાહનચાલકોને સમજાવ્યું હતું કે, ટુ-વ્હીલર પર લગાવેલો આ નાનકડો તાર ગળા કપાવવાની મોટી દુર્ઘટના સામે રક્ષણ આપી શકે છે. પોલીસે તમામ નગરજનોને સુરક્ષાના નિયમોનું પાલન કરી તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા અપીલ કરી હતી.
