રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી અને વરિષ્ઠ આગેવાનશ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, પોતાના વિકાસના મોડેલ માટે છાપરે ચડીને પ્રચાર કરનાર ગુજરાત સરકારની પોલ ખોલી નાખે તેવા આંકડાઓ બહાર આવ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અને તે ઉપર આધારિત એનાલિસિસ મુજબ દેશના ટોચના ૧૦ કુપોષિત જિલ્લાઓમાંથી ચાર ગુજરાતના છે. સિવિયર માલન્યૂટ્રીશન એટલે કે અતિકુપોષિત ૧૦ જિલ્લાઓની યાદી નીચે મુજબ છે.

(૧) ડાંગ (ગુજરાત) – 22.2% તેમજ (સિવિયર એનેમિક માલન્યુટ્રીશન—SAM)
(૨) પંચમહાલ (ગુજરાત) – 19.7% SAM
(3) તાપી (ગુજરાત) – 9.6% થી 17.1% SAM (મધ્યમ)
(૪) નર્મદા (ગુજરાત) – ખૂબ વધારે સ્ટેટિંગ 50.7%
(૫) ચંદ્રપુર (મહારાષ્ટ્ર) – 21.8% SAM
(૬) નાગપુર (મહારાષ્ટ્ર) – 20% SAM
(૭) કરીમગંજ (આસામ) – 30.5% SAM
(૮) શિઓહર (બિહાર) – 21.4% SAM
(૯) સરાઈકેળાં ખારસાવન (ઝારખંડ) – 23% SAM
(૧૦) ઔરંગાબાદ (બિહાર) – 18.5% SAM
આ જિલ્લાઓ દેશમાં ટોચના કુપોષિત જિલ્લાઓ છે જેમાંના કેટલાક ચિંતાજનક રીતે અતિકુપોષિત જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરી શકાય, જેમાં ગુજરાતના જિલ્લાઓની વિગત નીચે મુજબ છે.
(૧) ડાંગ (ગુજરાત) – વેસ્ટિંગનું ઊંચું પ્રમાણ (લગભગ 40.9%)
(૨) પંચમહાલ (ગુજરાત) – વેસ્ટિંગનું ઊંચું પ્રમાણ (લગભગ 35.7%)
(૩) તાપી (ગુજરાત) – વેસ્ટિંગનું ઊંચું પ્રમાણ (લગભગ 36.6%)
(૪) સાબરકાંઠા (ગુજરાત)
(૫) દોહાદ (ગુજરાત)
(૬) ખેડા (ગુજરાત)
(૭) અમરેલી (ગુજરાત)
(૮) ભરુચ (ગુજરાત)
(૯) મહેસાણા (ગુજરાત)
(૧૦) ઔરંગાબાદ (બિહાર)
ઉપરોક્ત વિગતો જોયા બાદ ગુજરાત કુપોષણ ક્ષેત્રે દેશમાં ટોચના સ્થાને છે એમ ભાગ્યે જ કહેવાનું રહે છે. નીતિ આયોગના ૨૦૨૩-૨૪ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ મુજબ પાંચ વર્ષથી નીચેના લગભગ 40% બાળકો ગુજરાતમાં કાં તો ઓછું વજન ધરાવે છે અથવા સ્ટંટેડ એટલે કે ઓછી ઊંચાઈ ધરાવે છે. આની સામે ગુજરાતની કુલ વસ્તીના 38% નીતિ આયોગના અહેવાલ પ્રમાણે કુપોષિત છે અને તેમાંય મહિલાઓ તેમજ બાળકોના કુપોષણની સમસ્યા અતિ ગંભીર છે.
બાળકોમાં કુપોષણ
ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ (સ્ટંટિંગ) ધરાવતા બાળકોની ટકાવારી 25.1% છે જ્યારે 39.7 ટકા બાળકો ઓછું વજન ધરાવે છે. ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ ધરાવતા (સ્ટન્ટેડ) બાળકોની ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ચોથા નંબરે આવે છે.
દેશના ટોચના કુપોષિત જિલ્લામાં ગુજરાતના ચાર
ઉપર જણાવ્યા મુજબ દેશના ટોચના 10 કુપોષિત જિલ્લાઓમાંથી ચાર જિલ્લા ગુજરાતના છે જ્યાં બાળકોમાં કુપોષણ સૌથી વિશેષ છે જે ગુજરાત રાજ્યમાં પણ કુપોષણની પરિસ્થિતિની દ્રષ્ટિએ અસમતુલા દર્શાવે છે અને આ ચાર જિલ્લાઓ ડાંગ, પંચમહાલ, તાપી અને નર્મદા મહદંશે આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા છે જ્યાં કુપોષણ સૌથી વધુ જોવા મળ્યું છે. NFHS-5ના ડેટા મુજબ બાળકોમાં કુપોષણ દર્શાવતા માનકો નીચે મુજબ છે.
• ઉંમર પ્રમાણે ઊંચાઈ ઓછી હોવી (સ્ટંટિંગ) : 35.5 ટકા
• ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોવું (વેસ્ટિંગ): 19.3 ટકા
• ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોવું: 32.1 ટકા
• આ સિવાય એનિમિયા એટલે કે લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ હોવાના કિસ્સા પણ ગુજરાતમાં ઊંચી ટકાવારી ધરાવે છે.
• ૬ થી ૫૯ મહિનાના બાળકો હિમોગ્લોબીન 11 મિલીગ્રામ/તા કરતાં ઓછું : 67.1%
• ગર્ભવતી માતાઓ ન હોય તેવી 15 થી 49 વર્ષની સ્ત્રીઓમાં હિમોગ્લોબિનની ઉણપ : 57.2%
• 15 થી 59 વર્ષની ગર્ભવતી માતાઓમાં હિમોગ્લોબીનની ઉણપ : 52.2%
• આ ઉપરાંત ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોવાની તીવ્રતા ધરાવતા કિસ્સા 10.6% છે.
કુપોષણની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં ઘણા ઊંચા પ્રમાણમાં આ ઉણપ આદિવાસી વિસ્તારોમાં જોવા મળી છે. ઉપરોક્ત વિગતો દર્શાવે છે કે કુપોષણની સમસ્યા ગુજરાતમાં જાહેર આરોગ્યના ક્ષેત્રે પાયાની અને મુખ્ય સમસ્યા છે. આવકની તીવ્ર અસમાનતા તેમજ જિલ્લાવાર પણ વિકાસની ભારે અસમતુલા આ માટેનું કારણ ગણી શકાય. આ આંકડાઓ જોઈએ તો ગુજરાત દેશનું એક વિકસિત રાજ્ય છે એ વાત હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સની દ્રષ્ટિએ ખોટી પુરવાર થાય છે. કોઈપણ કલ્યાણ રાજ્યના વિકાસનું અંતિમ માપ પ્રજાની સુખાકારી, કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ પરિસ્થિતિ, પૂરતી આરોગ્ય અને સેનિટેશન સુવિધાઓ તેમજ કુપોષણનો અભાવ હોવું જોઈએ. ભારતના ટોચના 10 જિલ્લા જે કુપોષણથી પીડિત છે અને જ્યાંના બાળકો હિમોગ્લોબીનની ઉણપ તેમજ ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન અને ઉમરના પ્રમાણમાં ઓછું વજન જેવી સમસ્યાઓનો શિકાર બન્યા છે કમનસીબે આ ચારેય જિલ્લા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જિલ્લાઓ છે જે પુરવાર કરે છે કે ગુજરાતમાં વિકાસના ફળ આદિવાસી તેમજ ગરીબ વસ્તી ધરાવતા જિલ્લાઓ અથવા તાલુકાઓ સુધી પહોંચ્યા નથી અને એ રીતે ગુજરાત મોડેલ સમતુલિત વિકાસ માટેનું આદર્શ મોડેલ હોવાની ચકાસણીમાંથી પાર ઉતરતું નથી.
ગુજરાતમાં પાંચ મુખ્ય જિલ્લાઓ જ્યાં કુપોષણની સમસ્યા છે.
ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ કુપોષણની દ્રષ્ટિએ ટોચના 10 જિલ્લાઓમાં આવતા ડાંગ, નર્મદા, પંચમહાલ અને તાપી ઉપરાંત દાહોદ એમ પાંચ જિલ્લા કુપોષણની દ્રષ્ટિએ NFHS-5 (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચ) મુજબ સૌથી ખરાબ અસર પામેલા જિલ્લાઓ છે. આ જિલ્લાઓમાં NFHS-૫ મુજબ કુપોષણગ્રસ્ત બાળકોની સંખ્યા ટોચના છ જિલ્લામાં નીચે મુજબ છે.
- નર્મદા : 12,492
- વડોદરા : 11,322
- આણંદ : 9,615
- સાબરકાંઠા : 7270
- સુરત : 6967
- ભરૂચ : 5863
સંખ્યાની દ્રષ્ટિએ આ છ ટોચના જીલ્લા છે. એ ઉપરાંત ડાંગ, પંચમહાલ, તાપી અને દાહોદ પણ નીચે મુજબના કારણોસર કૂપોષિત જિલ્લાઓમાં સ્થાન પામે છે.
(૧) ડાંગ : ભારતમાં પહેલા દસમાં પ્રથમ નંબરે વેસ્ટિંગ (ઉંમરની દ્રષ્ટિએ વજન ઓછું હોવું)
(૨) પંચમહાલ: ભારતના ટોચના 10 જિલ્લાઓમાં અતિ કુપોષિત તરીકે
(૩) તાપી: ભારતના ટોચના 10 જિલ્લાઓમાં અતિ કુપોષિત તરીકે
(૪) દાહોદઃ ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન ધરાવતા (સ્ટેટિંગ) બાળકોની ટકાવારીની દ્રષ્ટિએ
આમ ગુજરાતના કુપોષિત બાળકોની સંખ્યા ધરાવતા જિલ્લાઓમાં વડોદરા, આણંદ, સુરત અને બનાસકાંઠા જેવા જિલ્લાઓ પણ આવે છે જેના પરથી બે તારણો કાઢી શકાયઃ
પ્રથમ ગુજરાત અતિવિકસિત અને સમૃદ્ધ રાજ્ય છે તે ધારણાને NFHS-5ના આ આંકડા સમર્થન આપતા નથી અને એટલે ગુજરાત મોડેલ જેનો દેશભરમાં વિકાસના મોડેલ તરીકે ઢંઢેરો પીટવામાં આવે છે તે સાચો નથી.
બીજું ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ તેમજ મધ્યાહન ભોજન જેવી યોજનાઓની અમલવારીમાં પણ ગુજરાત ધારી સફળતા મેળવી શક્યું નથી, ખાસ કરીને આદિવાસી અને પછાત જિલ્લાઓ તેમજ વિકસિત જિલ્લાના પણ કેટલાક તાલુકાઓમાં કુપોષણની સમસ્યા બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ તેમજ ધાત્રી માતાઓમાં દૂર કરી શકાઇ નથી. આ માટે આ અગાઉ જણાવ્યું તેમ આંગણવાડી યોજનામાં અપૂરતો સ્ટાફ તેમજ આંતરમાળખાકીય સવલતોનો અભાવ જેવી ક્ષતિઓ જવાબદાર છે, જેના પરથી પુરવાર થાય છે કે ગુજરાત સરકાર વિકાસની જે કાંઈ વાતો કરે છે તે માત્ર ધનિક વર્ગ તેમજ વિકસિત વિસ્તારો પૂરતો જ મર્યાદિત છે. ગુજરાત મોડેલ અસમતુલિત વિકાસ અને વ્યાપક કુપોષણને દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. NFHS-5 પ્રમાણે દેશના ટોચના 10 જિલ્લાઓ જેમાં બાળકો તેમજ સગર્ભા માતાઓમાં વ્યાપક કુપોષણ પ્રવર્તે છે તેમાં એકલા ગુજરાતના જ ચાર જિલ્લાઓ આવે છે જે વિકાસના ઉદ્દીપક તરીકે ગુજરાત મોડેલ કેટલું પોકળ છે અને ગરીબ તેમજ અવિકસિત વિસ્તારોમાં વિકાસના ફળ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગયું છે તેના પુરાવા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-ઓર્ડીનેટર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ તથા ડીબેટ પેનાલીસ્ટશ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યાં હતાં.
હેમાંગ રાવલ
મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા
9898233038

