પંચમહાલ-ગોધરા SOG પોલીસે નકલી ચલણી નોટોના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી નોટોના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી પોલીસને હંફાવતા મુખ્ય સૂત્રધાર કિશોર પાંડોરની આખરે ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમે બાતમીના આધારે મહિસાગર જિલ્લાના ભમરીકુંડા ગામેથી આરોપીને ઝડપી પાડ્યો છે.

શું હતો સમગ્ર કેસ?
આ કેસની વિગત મુજબ, 24મી મે 2025ના રોજ પંચમહાલ પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. મોરવા હડફ તાલુકાના તાજપુરી-વંદેલી રોડ પરથી રઘુવિરસિંહ ઘોડ નામના શખસને પોલીસે અટકાવ્યો હતો. તેની તલાશી લેતા 500ના દરની 361 નકલી ચલણી નોટો મળી આવી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ નકલી નોટોનો જથ્થો તેને કિશોર પાંડોર નામના શખસે પૂરો પાડ્યો હતો. ત્યારથી કિશોર પાંડોર પોલીસ પકડથી દૂર હતો.
SOG ની ‘વોન્ટેડ’ વિરુદ્ધ કાર્યવાહી
ATS ચાર્ટર હેઠળના ગંભીર ગુનાઓ અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ગોધરા SOGના પીઆઈ આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કિશોર પાંડોર મહિસાગર જિલ્લાના ભમરીકુંડા વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડીને SOG એ આરોપીને ઝડપી લીધો હતો. આઠ મહિનાથી ફરાર હોવાને કારણે પોલીસ માટે આ એક મહત્વની સફળતા માનવામાં આવે છે.
પોલીસ હવે કિશોર પાંડોરની સઘન પૂછપરછ કરી રહી છે કે, તે આ નકલી નોટો ક્યાં છાપતો હતો અથવા કોની પાસેથી મેળવતો હતો? અત્યાર સુધીમાં તેણે કેટલી નકલી નોટો બજારમાં ફરતી કરી છે? આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ? આ ધરપકડ બાદ પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ફેલાયેલા નકલી નોટોના નેટવર્ક અંગે વધુ ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.
