આગ લાગતા જ કામદારોમાં નાસભાગ; ફાયર બ્રિગેડના કાફલાએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી
અંકલેશ્વર,
અંકલેશ્વરની પાનોલી GIDC માં આવેલી ‘સલ્ફર મિલ’ નામની કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ઔદ્યોગિક વસાહતમાં સનસનાટી મચી ગઈ હતી. કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા કિલોમીટરો દૂરથી પણ દ્રશ્યમાન થતા હતા.આગની ઘટના અંગેની જાણ થતા જ પાનોલી અને અંકલેશ્વરની ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કેમિકલ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી, જેને અટકાવવા માટે ફાયર ફાઈટરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. સતત પ્રયાસો બાદ આગને વધુ પ્રસરી જતી અટકાવવામાં આવી હતી.

સદનસીબે, આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે, આગને કારણે કંપનીના મશીનરી અને કેમિકલ જથ્થાને મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) વિભાગ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. કંપનીમાં સેફ્ટીના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

