શહેરના તુલસીધામ વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવાનો પ્રયાસ કરનાર રીઢા ગુનેગારને ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીની પૂછપરછમાં વડોદરાના અકોટામાં થયેલ ચેન સ્નેચિંગ સહિત રાજ્યભરના ૨૦ થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

ઘટનાની વિગત મુજબ, ૧ જાન્યુઆરીના રોજ ચિત્રકૂટ સોસાયટીમાં હેલ્મેટ પહેરીને આવેલા એક શખ્સે પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ઘરની બહાર બોલાવી હતી. સહી કરવાના બહાને મહિલાનું ધ્યાન ભટકાવી ગળામાંથી ચેન ઝૂંટવાનો પ્રયાસ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે ભરૂચ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે શીતલ સર્કલ પાસે વોચ ગોઠવી સફેદ એક્ટિવા સાથે કિશોર ઉર્ફે અજય મોહનભાઈ માછી (રહે. વડોદરા) ને દબોચી લીધો હતો.
પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે ગત ૨ જાન્યુઆરીએ વડોદરાના અકોટા વિસ્તારમાં પણ એક વૃદ્ધ પુરુષને પાર્સલના બહાને ઘરની બહાર બોલાવી ચેન સ્નેચિંગ કર્યું હતું. આ આરોપીની મોડસ ઓપરેન્ડી પાર્સલ આપવાના બહાને એકલવાયા વૃદ્ધોને ટાર્ગેટ કરવાની છે. નોંધનીય છે કે આ રીઢો તસ્કર અગાઉ ગુજરાતના વિવિધ શહેરોમાં ૨૦ થી વધુ ચેન સ્નેચિંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ પોલીસે ૪૦ હજારની કિંમતનું એક્ટિવા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

