GUJARAT : પાવાગઢમાં રોપ વે તૂટવાની દુર્ઘટના પાછળનું કારણ સામે આવ્યું, 6 લોકોના થયા હતા મોત

0
51
meetarticle

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ માચી ખાતે માલવાહક રોપ વે શનિવારે તૂટી પડવાની ઘટનામાં છ લોકોના મોત થતા પંચમહાલ કલેકટર દ્વારા તપાસ સમિતિની રચના બાદ સમિતિના સભ્યો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

પાવાગઢમાં ગુડ્‌ઝ રોપ વેની દુર્ઘટના બાદ અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ચાર સભ્યોની રચના કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન ઇલેક્ટ્રિકલ, કાર્યપાલક ઇજનેર મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આમ ચાર સિનિયર અધિકારીઓની ટીમને બનાવની તપાસ કામગીરી સોંપવામાં આવી છે. 

આજે વહેલી સવારથી તપાસ સમિતિના સભ્યોએ ઘટનાસ્થળે પહોંચી વહીવટીતંત્ર તેમજ પોલીસને સાથે રાખી કામગીરી આરંભી હતી. સમિતિના સભ્યોએ તપાસની શરૂઆત  જિલ્લા કલેકટરની હાજરી સાથે કરી હતી. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે તપાસ સમિતિનો પ્રાથમિક અહેવાલ આવવાનો બાકી છે. સાથે સાથે પોલીસ તેમજ એફએસએલની તપાસ પણ ચાલુ છે. 

તેમણે ઉમેર્યુ હતું કે ટેકનિકલ સમિતિ અને એફએસએલ સાથે પ્રાથમિક તબક્કે વાત કરતા જાણવા મળ્યું છે કે ટાવર નંબર 3 અને ટાવર નંબર 4ની વચ્ચેનો રોપ વેનો મુખ્ય કેબલ તૂટી જવાના કારણે ગાઈડ કેબલ સાથે ટ્રોલી નીચે એક નંબરના ટાવર સાથે ધડાકાભેર અથડાતા આ ઘટના બની હતી. તૂટેલા રોપ વેના બંને છેડા શોધવાની કામગીરી હાલમાં ચાલુ છે. પરંતુ વરસાદી વાતાવરણ હોવાને કારણે તેમાં સમય લાગી રહ્યો છે રોપ વેના બંને છેડા શોઘ્યા બાદ તે તપાસ માટે એફએસએલમાં મોકલાશે. એફએસએલની તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ જાણવા મળશે.

જવાબદારી નક્કી થતા જ કાયદેસરની કાર્યવાહી કરાશે

પાવાગઢમાં ઘટના કેમ બની તે જાણવા માટે તાત્કાલિક અસરથી તાંત્રિક તપાસ સમિતિ ગઈકાલથી જ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે પણ તેનું તારણ સામે આવશે ત્યારે જેની સામે જવાબદારી નક્કી થશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. બનાવ સંદર્ભે પાવાગઢ પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

રોપ વેનું છ માસ પહેલાં જ ઇન્સ્પેક્શન થયુ હતું

આ રોપ વેનું છ મહિના અગાઉ થર્ડ પાર્ટી ટેકનિકલ ઇન્સ્પેક્શન થયું હતું.  ઇન્સ્પેક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યું ત્યારે વાયર કેબલની પણ તપાસ કરવામાં આવી હતી. દુર્ઘટનાનું ચોક્કસ કારણ તપાસ સમિતિના રિપોર્ટ બાદ જ જાણવા મળશે. છેલ્લા બે દિવસથી વાતાવરણ ખરાબ હોવાના કારણે બાજુમાં આવેલ અન્ય એક પેસેન્જર રોપ વે બંધ કરવામાં આવેલ છે. વાતાવરણમાં સુધારો થતા સેન્સરના ડેટા મેળવી આ રોપ વે પણ શરૂ કરી દેવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here