રશિયાથી ઈંધણ ખરીદવા અમેરિકાએ મંજુરી આપી અને LPG ભરેલા વાહનો ગુજરાતના બંદરે આવી પહોંચ્યાના અહેવાલો અને ઈંધણના પર્યાપ્ત સ્ટોકના ભારપૂર્વક દાવા વચ્ચે પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના પગલે સૌરાષ્ટ્રમાં અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. પેટ્રોલપંપો ઉપર કેટલાક લોકો રિઝર્વ પર કાંટો આવતા ઈંધણ પૂરાવવા અને અનેક તો પછી ઈંધણ નહીં મળે તેવી આશંકા સાથે ટાંકી ફૂલ કરાવી લેવા ધસી જતા રાજકોટ સહિત રાજ્યભરમાં પેટ્રોલપંપોએ લાં…બી કતારો જોવા મળી હતી. ધક્કામુક્કી, ટ્રાફિક જામ સર્જાયા હતા.બપોરે સરકારી તંત્રોએ પેટ્રોલ-ડીઝલ પર્યાપ્ત હોવાનું અને તંગીની વાત જુઠી અફવા જાહેર કરવા છતાં રાજકોટ, ગોંડલ, જુનાગઢ, દ્વારકા સહિત ગામેગામથી અહેવાલો મૂજબ વાહનચાલકોનો પેટ્રોલપંપો ઉપર ધસારો રાત્રિ સુધી જારી રહ્યો હતો.અફવાને અગ્રભાગે પકડીને ફેલાતી રોકવામાં તંત્રો સફળ રહ્યા ન્હોતા. વાહનચાલકોમાં તંગીની અફવા કોરોના વાયરસ કરતા અનેકગણી વધુ ઝડપે પ્રસરી જતા રાજકોટમાં જે પંપમાં ગ્રાહકો નહીવત્ દેખાતા ત્યાં પણ વાહનોના ખડકલા થઈ ગયા.ધસારો જોઈને માલવિયા ચોક સહિતના સ્થળે પેટ્રોલપંપ માલિકોએ રૂ. 100નું જ પેટ્રોલ અપાશે તેવો નિયમ અમલી કરી દીધો હતો તો ન્યારા સહિત પાંચ-છ પંપોએ રૂટીનમાં સ્ટોક ખલ્લાસ થવા સહિત બાબતોથી અછતના માનસને પ્રસરવા ઈંધણ મળ્યું હતું.

પરિસ્થિતિ વણસતા પેટ્રોલપંપ સંચાલકોની ઓઈલ કંપનીઓ સાથે તાકીદની બેઠક યોજાઈ હતી અને ઈંધણનો પૂરવઠો આપવામાં પેમેન્ટના નિયમોમાં રાહત આપવા, સેઈમ ડે પેમેન્ટ સીસ્ટમ લાગુ કરવા સહિત માંગણીઓ કરાઈ હતી.
ગુજરાતમાં હાલ દૈનિક 85 લાખ લિટર પેટ્રોલ અને 170 લાખ લિટર ડીઝલનો વપરાશ હોવાનો અંદાજ છે. સરકાર અને જિલ્લા પ્રશાસનોએ આંકડાકીય વિગતો આપ્યા વગર દાવો કર્યો છે કે ઈંધણનો જથ્થો નિયમિત મળી રહ્યો છે,અને કોઈ પણ પ્રકારનો શોર્ટ સપ્લાય નથી ઉપરાંત રાજ્યમાં ઈંધણનો પૂરતો બફરસ્ટોક પણ છે. વિતરણ નહીં કરનાર કે નિયમભંગ કરનાર પેટ્રોલપંપો સામે કડકપગલાની ચિમકી અપાઈ છે પરંતુ,આવી કાર્યવાહીની વિગતો જારી થઈ ન્હોતી.

