આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તનેતળાવ ખાતે છાપો મારીને પોક્સોના કેસમાં સજા પામેલા અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા મલાતજ ગામના આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસે તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો

સોજીત્રા તાલુકાના મલાતજ ગામની બગી વાડી નજીક રહેતા ભરતસિંહ ઉર્ફે ભરતકુમાર શાંતિલાલ સોલંકી વિરુદ્ધ મહેળાવ પોલીસ મથકમાં પોક્સોનો કેસ નોંધાયો હતો. આ કેસમાં આણંદની સ્પેશિયલ કોર્ટે ભરતસિંહ સોલંકીને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. જેથી તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ગત તારીખ ૮ માર્ચ ૨૦૨૫ના રોજ તે વચગાળાના જામીન ઉપર છૂટયો હતો અને રજા પૂરી થયા બાદ તેને જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે જેલમાં હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડને માહિતી મળી હતી કે, ભરતસિંહ ઉર્ફે ભરતકુમાર ડભોઇ તાલુકાના તનેતળાવ ખાતે રહે છે. જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડી વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

