પોરબંદર શહેરના સ્મશાનના ગેટ પાસે આવેલ પ્રસિદ્ધ સ્મશાનની મા મેલડીના મંદિરનું છ મહિનામાં બીજીવાર ઝીણો ઉદ્ધાર કરી અતિ આધુનિક અને ભવ્ય રીતે નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર નવનિર્માણ કાર્ય નિલેશભાઈ ભનુભાઈ મકવાણા પરિવારના ઉદાર આર્થિક સહયોગથી શક્ય બન્યું છે, જેના કારણે મંદિરને નવજીવન મળ્યું છે.
મંદિરનું કદ નાનું હોવાથી દર્શનાર્થે આવતા ભક્તોને વારંવાર અસુવિધા થતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મંદિરને વિશાળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભવ્ય અને આધુનિક નવનિર્માણ બાદ હવે ભક્તોને સુવ્યવસ્થિત રીતે માતાજીના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

મંદિરના નવનિર્માણ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મા મેલડીના ડાકનું આયોજન સંદીપભાઈ રાવળદેવ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી. સમગ્ર પરિસર જય મા મેલડીના જયઘોષથી ગુંજાયમાન બન્યો હતો.
આ શુભ પ્રસંગની શરૂઆત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે રોડ ફૂટપાથ પર રહેતી માતા વિહોણી ચાર નાની દીકરીઓ દ્વારા માતાજીને કંકુ-તિલક કરી કરવામાં આવી હતી. આ દૃશ્યએ સમગ્ર કાર્યક્રમને ભાવનાત્મક અને માનવતાથી ભરપૂર બનાવ્યો હતો અને ઉપસ્થિત સૌની આંખોમાં લાગણીના ભાવ છલકાયા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે વિવેકભાઈ, મહેન્દ્રભાઈ, અનિકેતભાઈ અને નિલેશભાઈના આર્થિક સહયોગથી સંપન્ન થયું હતું. હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.
આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે નિલેશભાઈ ભનુભાઈ મકવાણા, કિરણભાઈ વિનુભાઈ સોલંકી, દેવિન ભીખુભાઈ કોટીયા સહિત અન્ય મિત્રો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ પ્રસંગે આમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં પોરબંદરના સેવાભાવી અગ્રણી પ્રવીણભાઈ ખોરાવા, ઉમાબેન ખોરાવા, લીલાબેન મોતીવરસ, માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, ગજેન્દ્રભાઈ વ્યાસ, અનિલભાઈ બથિયા, જયેશભાઈ પાઉ તેમજ નગરપાલિકાના સ્ટાફ વિશેષ રૂપે હાજર રહ્યા હતા.
સ્મશાનની મા મેલડીના મંદિરના આ ભવ્ય નવનિર્માણથી ભક્તોમાં આનંદ અને આસ્થાનો નવો ઉત્સાહ પ્રસરી ગયો છે અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બની છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

