પોરબંદર એસ.ટી. ડેપોના કર્મચારીઓએ ફરી એકવાર પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે.

ગઇકાલે તા.૨૪-૦૧-૨૦૨૬ ના રોજ પોરબંદર ડેપોથી બપોરે ૧૧:૪૫ કલાકે ઉપડેલી પોરબંદર–ભુજ રૂટની એસ.ટી. બસમાં એક મુસાફર દ્વારા ભૂલથી રૂ.૬ લાખની કિંમતનું મોંઘુ સાધન રહી જતાં, એસ.ટી.ના ડ્રાઇવર અને કંડકટરે તે સાધન સહી સલામત રીતે પરત કરી માનવતા અને વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.
માહિતી મુજબ, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વતની દર્શનભાઈ રામધરણે નામના મુસાફર પોતાની નોકરીના કામકાજ અર્થે ગુજરાત આવ્યા હતા.તેઓ મોરબીથી સામખીયારી જવા માટે પોરબંદર–ભુજ રૂટની બસમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમની કંપની દ્વારા આપવામાં આવેલ રૂ.૬,૦૦,૦૦૦/- (છ લાખ)ની કિંમતનું મેરિડીયન ડી.જી.પી.એસ ટોટલ સ્ટેશન રોડ સર્વે મશીન તેઓ ભૂલથી બસમાં રહી ગયું હતું અને સામખીયારી ઉતરી ગયા હતા.
બસ ભુજ પહોંચ્યા બાદ ફરજ પરના ડ્રાઇવર મયુરગિરી આર. રામદત્તી અને કંડકટર હરપાલસિંહ ચુડાસમાને બસમાં કોઈ મુસાફરનું મોંઘું સાધન રહી ગયેલું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બાબતની તરત જ ભુજ ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી તેમજ સંબંધિત મુસાફરને સંપર્ક કરી માહિતી આપવામાં આવી હતી.
આથી આજ તા.૨૫-૦૧-૨૦૨૬ ના રોજ વહેલી સવારે મુસાફર દર્શનભાઈ ભુજ બસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ ડ્રાઇવર મયુરગિરી રામદત્તી અને કંડકટર હરપાલસિંહ ચુડાસમાએ ભુજ ડેપોની ઇન્ક્વાયરી ઓફિસ ખાતે ભુજના ટ્રાફિક કંટ્રોલરની હાજરીમાં રૂ.૬ લાખની કિંમતનું સર્વે મશીન સહી સલામત રીતે મુસાફરને પરત કર્યું હતું.
આ પ્રસંગે જુનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરએ પોરબંદર ડેપોના ડ્રાઇવર અને કંડકટરની પ્રમાણિકતાને બિરદાવતા જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમના કર્મચારીઓ વારંવાર પોતાની ફરજ નિષ્ઠા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેથી મુસાફર જનતા નિઃશંકપણે એસ.ટી. બસોમાં મુસાફરી કરી શકે છે.
સમગ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના મુસાફરોમાં પણ ગુજરાત એસ.ટી.ની આગવી ઓળખ ઉભી કરી નિગમની પ્રતિષ્ઠામાં વધારો કરનાર પોરબંદર ડેપોના ગૌરવ સમાન ડ્રાઇવર મયુરગિરી રામદત્તી તથા કંડકટર હરપાલસિંહ ચુડાસમાને જુનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગર, પરિવહન અધિકારી પી.પી. ધામા, પોરબંદર ડેપો મેનેજર પી.બી. મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી, એ.ટી.આઇ. એચ.આર. ઓડેદરા તેમજ પોરબંદર ડેપોના સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

