આજના સમયકાળમાં ખોવાયેલ કીમતી વસ્તુ મળી જાય તો તેને પોતાના હિત માટે ઉપયોગમાં લેવાના દાખલા ઘણીવાર જોવા મળે છે. પરંતુ પોરબંદર એસ.ટી. ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી એ એક ઉત્તમ માનવતા અને પ્રમાણિકતા દર્શાવતા બસમાં મળેલો કિંમતી મોબાઇલ શોધી તેનાં મૂળ માલિક મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની—ને પરત કરી સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોરબંદર મેડિકલ કોલેજની એક વિદ્યાર્થીની કોલેજથી ભાવસિંહજી હોસ્પિટલ પોસ્ટિંગ પર ગઈ હતી અને ત્યાંથી પરત આવતી એસ.ટી. બસમાં સવાર થઈ હતી. મેડિકલ કોલેજ ખાતે ઉતર્યા બાદ તેમને ધ્યાન આવ્યું કે તેમનો કિંમતી એન્ડ્રોઇડ મોબાઇલ બસમાં રહી ગયો છે. તુરંત જ વિદ્યાર્થીનીએ ફોનનું લોકેશન તપાસતા મોબાઇલ પોરબંદર એસ.ટી. ડેપો ખાતે હોવાનું જોવા મળ્યું. બસના ડ્રાઇવર અશોકસિંહ જાડેજા સાથે સંપર્ક કર્યા પછી ડ્રાઇવર અશોક સિંહે સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને જાણ કરતા સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ.રૂઘાણીએ તરત જ અન્ય કાર્ય મૂકીને વર્કશોપમાં ઉભેલી બસમાં તપાસ કરતાં મોબાઇલ સીટની બાજુમાંથી સુરક્ષિત હાલતમાં મળી આવ્યો. તેમણે તરત જ મૂળ માલિક વિદ્યાર્થીનીને ફોન પર સંપર્ક કરી મોબાઇલ મળી ગયાની જાણકારી આપી—પછી તે મોબાઇલ વિદ્યાર્થીનીને એસ.ટી. ડેપો ખાતે સન્માનપૂર્વક પરત અપાયો.
આ બનાવ સમયે પ્રેસ રિપોર્ટર વિરમભાઈ આગઠ પણ સ્થળ પર હાજર હતા.વિદ્યાર્થીનીએ પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતી કરી હોવાને કારણે નામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણીની પ્રમાણિકતા અને માનવતાથી પરિપૂર્ણ કાર્યની સૌએ પ્રશંસા કરી છે.
પોરબંદર એસ.ટી. ડેપોના ડેપો મેનેજર પી.બી. મકવાણા તથા તમામ સ્ટાફે રૂઘાણીને અભિનંદન પાઠવી ગૌરવ વ્યક્ત કર્યું છે.
રિપોર્ટ: વિરમભાઈ કે. આગઠ

