ખેડૂતોના પ્રશ્નો, ગામડાઓમાં વર્ષોથી અણઉકેલ રહેલા લોકહિતના મુદ્દાઓ અને ખેતીને લગતી તાત્કાલિક સમસ્યાઓને કેન્દ્રમાં રાખી આમ આદમી પાર્ટીની આગેવાનીમાં પોરબંદર તાલુકાના મોઢવાડા ગામેથી “પોરબંદર કિસાન જનસંપર્ક પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાને “કિસાન ન્યાય યાત્રા” તરીકે ઓળખાવવામાં આવી રહી છે, જે ખેડૂતોના હક અને ન્યાય માટે એક મજબૂત અવાજ બની રહી છે.

આ કિસાન ન્યાય યાત્રા આજે વહેલી સવારે ખાંભોદર ખાતેથી શરૂ થઈ હતી અને બપોરે નાગકા ખાતે પહોંચી હતી. માર્ગ દરમિયાન પદયાત્રીઓએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો, ખેતરોમાં જઈ તેમની સમસ્યાઓ સાંભળી અને ખેતીને લગતા પાણી, વીજળી, ભાવ, પાક વીમા અને બજાર વ્યવસ્થાના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. નાગકા ગામના એક ખેડૂતના ખેતરમાં પદયાત્રીઓએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે આમ આદમી પાર્ટી સાચા અર્થમાં સામાન્ય જનતા અને ખેડૂતોની સંવેદના ધરાવતી પાર્ટી છે અને તેમના હક માટે સતત સંઘર્ષ કરતી રહેશે.
પદયાત્રા દરમ્યાન નાગકા ખાતે અઢારે વર્ણમાં પૂજાતા માતા લીરબાઇઆઈના અનન્ય ભક્ત સંત પુંજા આતાના મંદિરે ખેડૂત નેતા હિતેષભાઈ મોઢવાડીયા, પોરબંદર વિધાનસભા પ્રભારી ભાર્ગવ જોષી, હિતેષભાઈ બાપોદરા, સંજયભાઈ સહિત તમામ પદયાત્રીઓએ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા અને ખેડૂતોના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
નાગકા ખાતે પાદરમાં આવેલા આશ્રમમાં પદયાત્રીઓ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો આશ્રમમાં ઉપસ્થિત રહી આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ગ્રામજનોએ ખેડૂતોના પ્રશ્નો અંગે ખુલ્લેઆમ ચર્ચા કરી અને આમ આદમી પાર્ટી પ્રત્યે વધતા વિશ્વાસની લાગણી વ્યક્ત કરી હતી.
નાગકાથી આગળ પદયાત્રા બાવળવાવ, ગોઢાણા, કાટવાણા થઈને બખરલા ખાતે પહોંચી હતી. સમગ્ર માર્ગ દરમિયાન ગ્રામજનોએ પદયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને ખેડૂતો, યુવાનો તથા મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પદયાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાની માત્ર વાતોથી નહીં, પરંતુ જમીન પર ઉતરેલા સંઘર્ષ અને ન્યાયસંગત નીતિઓથી શક્ય બનશે.
આ સમગ્ર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. જેમાં ખેડૂત નેતા અને જિલ્લા મહામંત્રી હિતેષભાઈ મોઢવાડીયા, પોરબંદર વિધાનસભા પ્રભારી ભાર્ગવ જોષી, તાલુકા આપ પ્રમુખ દેવાભાઈ મોઢવાડીયા, લીલુબેન ભૂતિયા, હરદાસભાઈ કુછડીયા, ભરતભાઈ ગોઢાણીયા, નિલેશભાઈ ગોરસેરા, નાથાભાઈ ભૂતિયા, ડો. નૂતનબેન ગોકાણી, અમિતભાઈ ખોડા, ડો. સિદ્ધાર્થ ગોકાણી, માલધારી સેલના જિલ્લા પ્રમુખ પુંજાભાઈ કોડિયાતર, અગ્રણીઓ દિલીપભાઈ મોઢવાડીયા, જયમલભાઈ ઓડેદરા, કેશુભાઈ મોઢવાડીયા, આરીફભાઈ પીરઝાદા, મહિલા વિંગ આપના જિલ્લા ઉપપ્રમુખ વકીલ નીતાબેન સાદીયા, લીલાભાઈ મોઢવાડીયા, ચેતનભાઈ સવજાણી, રાજેશભાઈ માંડવીયા, હર્ષદભાઈ વાળા, સંજયભાઈ જોષી, ભરતભાઈ, મસરીભાઈ મોઢવાડીયા સહિત અનેક કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા હતા.
કિસાન ન્યાય યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ગંભીર અને સંવેદનશીલ અભિગમ સાથે આગળ વધી રહી હોવાનું સ્પષ્ટ થયું છે. ગામડે ગામડે મળતા પ્રતિસાદ અને જનસમર્થનથી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા અને ખ્યાતિ સતત વધતી જઈ રહી છે, અને આવનારા સમયમાં ખેડૂતોના હિત માટે આ યાત્રા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગ

