મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી પોરબંદર દ્વારા જિલ્લા પંચાયત હોલ ખાતે “ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫” અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારનો મુખ્ય હેતુ મહિલા ઓને ઘરેલુ હિંસા, કાયદાકીય અધિકારો અને સરકારી સહાય વિશે માહિતગાર બનાવવાનો હતો.કાર્યક્રમની શરૂઆત ૧૮૧ અભયમ ટીમની પ્રતિનિધિ શ્રીમતી સેજલ બેનના માર્ગદર્શન સાથે થઈ. તેમણે જાણકારી આપી કે “૧૮૧ અભયમ એ રાજ્ય સરકારની 24×7 મફત હેલ્પલાઇન સેવા છે, જેમાં મહિલાઓ અને કિશોરીઓને તરત સહાય, કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને જરૂર પડ્યે સ્થળ પર હાજર થતી રેસ્ક્યૂ ટીમની સેવા મળે છે.”
“સખી વન સ્ટોપ સેન્ટર”ની સેવાઓ અંગે વિસ્તૃત સમજ આપતાં સખી વન સ્ટોપ સેન્ટરના કેશ વર્કર શ્રીમતી કિરણબેનએ જણાવ્યું કે “સખી સેન્ટર ખાતે પીડિત બહેનોને કાયદાકીય સહાય, તાત્કાલિક આશ્રય, પોલીસ સહાય, મેડિકલ સહાય અને કાઉન્સેલિંગ— એક જ સ્થળે ઉપલબ્ધ થાય છે.”PBSC કાઉન્સેલર હેતલબેનએ જણાવ્યું કે “અહીં મહિલાઓ સુરક્ષિત રીતે ફરિયાદ નોંધાવી શકે છે. અહીં સંપૂર્ણ ગોપનીયતા, માનસિક માર્ગદર્શન, પોલીસ સહાય અને ન્યાય મેળવવામાં સંપૂર્ણ મદદ મળે છે.

ઘરેલુ હિંસા અધિનિયમ –૨૦૦૫ વિશે માર્ગદર્શન અંગે સમજ આપતાં જિલ્લા બાળ વિકાસ એકમના લીગલ એક્સપર્ટ યોગેશભાઈ નાનેરાએ ત્રણ મુદ્દા ખાસ જણાવ્યા જેમાં શારીરિક હિંસા, માનસિક/ભાવનાત્મક પીડા, આર્થિક અને સામાજિક શોષણ,“ઘરેલુ હિંસા અધિનિયમ–૨૦૦૫ મહિલાઓને કાનૂની સુરક્ષા, નિવાસનો અધિકાર, કાઉન્સેલિંગ અને આર્થિક સહાયનો હક આપે છે.”
મહિલાઓ માટેની યોજનાઓની માહિતી અંગે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી હંસાબેન ટાઢાણીએ ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન (DHEW)’ અંગે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે “આ કેન્દ્ર મહિલાઓને રોજગાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને કાયદાકીય સહાય સહિત દરેક ક્ષેત્રે સશક્ત બનાવવાનો હેતુ ધરાવે છે.”ઉપસ્થિતો દ્વારા પ્રશ્નો અને ચર્ચા બાદ સેમિનારના અંતે હાજર બહેનો દ્વારા પ્રશ્નો પૂછાયા જેમાં જવાબદાર અધિકારીઓએ સંવેદનશીલતા સાથે ઉકેલ આપ્યો.
સેમિનારમાં અનેક બહેનો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણી સાહેબના માર્ગદર્શન હેઠળ થયું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન DHEW ટીમ દ્વારા તેમજ આભાર વિધિ સાંધ્યાબેન જોષી દ્વારા કરવામાં આવી.
REPORTER : વિરમભાઈ કે. આગઠ

